ઓપરેશન સિંદૂર પર મોટો ખુલાસો: પાકિસ્તાને સીઝફાયર માગ્યું, ભારતે મિશન પૂર્ણ કર્યા બાદ જ આપી મંજૂરી


ઓપરેશન સિંદૂર પર મોટો ખુલાસો: પાકિસ્તાને સીઝફાયર માગ્યું, ભારતે મિશન પૂર્ણ કર્યા બાદ જ આપી મંજૂરી


Operation Sindoor New Revelation: ભારતના પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂરને લઈને મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ 10 મે 2025ની સવારે પાકિસ્તાને ડીજીએમઓ હોટલાઈન દ્વારા ભારત પાસે તાત્કાલિક સીઝફાયરની માંગ કરી હતી, પરંતુ ભારતે તરત જવાબ આપ્યો નહોતો. ભારતે પોતાની લશ્કરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જ યુદ્ધવિરામ માટે સંમતિ આપી હતી.
જનરલ ચૌહાણે જણાવ્યું કે ભારતનું મુખ્ય લક્ષ્ય આતંકી ઠેકાણાઓ અને પાકિસ્તાનના મહત્વના સૈન્ય મથકોને નિશાન બનાવવાનું હતું. આ તમામ વ્યૂહાત્મક લક્ષ્યો પૂર્ણ થયા બાદ જ ભારતે સીઝફાયર અંગે નિર્ણય લીધો.

પહલગામ હુમલા બાદ શરૂ થયું ઓપરેશન
7 મે 2025ના રોજ પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. પ્રથમ તબક્કામાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા અનેક આતંકી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના સૈન્ય મથકોને ભારે નુકસાન
જનરલ ચૌહાણના જણાવ્યા અનુસાર 9 મેની રાતથી 10 મે સુધી ભારતે પાકિસ્તાનના 11 સૈન્ય મથકો અને એરબેઝ પર અનેક તબક્કામાં હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં રડાર સિસ્ટમ, હેંગર અને અન્ય મહત્વના સૈન્ય માળખાને નુકસાન પહોંચ્યું હતું.
તેમણે જણાવ્યું કે પાકિસ્તાનને લાગ્યું હતું કે જો સંઘર્ષ આગળ વધશે તો વધુ મોટું નુકસાન થશે. તેથી તેણે સવારના સમયે જ સીઝફાયર માટે સંપર્ક કર્યો હતો.

ભારતે વ્યૂહાત્મક રીતે લીધો નિર્ણય
જનરલ ચૌહાણે જણાવ્યું કે ભારતે પોતાની પૂર્વનિર્ધારિત સૈન્ય યોજના પૂર્ણ થાય તે પહેલાં યુદ્ધવિરામ સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. ભારતે સવારે અને બપોરે વધુ હુમલાઓ કરીને બાકી રહેલા લક્ષ્યોને પૂર્ણ કર્યા અને ત્યારબાદ જ સીઝફાયર પર સંમતિ આપી.
તેમણે ભારપૂર્વક કહ્યું કે આ સમગ્ર કાર્યવાહીનો હેતુ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવાનો હતો કે ભારતની પહોંચથી કોઈપણ સૈન્ય મથક દૂર નથી.
આધુનિક યુદ્ધમાં માહિતી સૌથી મોટી શક્તિ
જનરલ ચૌહાણના જણાવ્યા મુજબ ભારતે માત્ર હુમલાઓ જ કર્યા નહોતા, પરંતુ હુમલાઓના પરિણામોનું ઝડપી મૂલ્યાંકન કરીને આગામી વ્યૂહરચના પણ નક્કી કરી હતી. આધુનિક યુદ્ધમાં માહિતી અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા ભારત માટે સૌથી મોટી તાકાત સાબિત થઈ.




