CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે શિક્ષણ મંત્રાલયની મોટી કાર્યવાહી: 47 NTA અધિકારીઓને બરતરફ


CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે શિક્ષણ મંત્રાલયની મોટી કાર્યવાહી: 47 NTA અધિકારીઓને બરતરફ


NTA Officials Terminated: દેશભરમાં પેપર લીકના મુદ્દે ઉઠેલા ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં મોટું વહીવટી એક્શન લીધું છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ NTAના કુલ 47 અધિકારીઓને સેવા પરથી બરતરફ કરવામાં આવ્યા છે. ઉપરાંત કેટલાક અધિકારીઓ સામે કાનૂની અને ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
સરકારનું કહેવું છે કે આ કાર્યવાહી NTAમાં પારદર્શિતા, જવાબદારી અને વિશ્વસનીયતા વધારવા માટે શરૂ કરાયેલા વ્યાપક સુધારાના અભિયાનનો ભાગ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી NEET સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓના આરોપોને કારણે NTA સતત વિવાદોમાં રહી છે. હવે સમગ્ર પરીક્ષા પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ સાથે જ કેન્દ્ર સરકાર પેપર લીક રોકવા માટે વધુ કડક કાયદો પણ લાવી રહી છે. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં સુધારા બિલને મંજૂરી આપી છે, જેને આગામી દિવસોમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત કાયદા મુજબ સંગઠિત રીતે પેપર લીક કરવાના ગુનામાં 10 વર્ષની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત આવા કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે NTAની સ્થાપના વર્ષ 2017માં કરવામાં આવી હતી અને 2018થી અત્યાર સુધીમાં એજન્સીએ 270થી વધુ પરીક્ષાઓ યોજી છે, જેમાં અંદાજે 6.60 કરોડ વિદ્યાર્થીઓ ભાગ લઈ ચૂક્યા છે. આ વર્ષે જ 12 પરીક્ષાઓ યોજાઈ છે, જેમાં લગભગ 65 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા આગામી સમયમાં પણ વધુ સુધારાત્મક નિર્ણયો લેવામાં આવશે.




