RSSનો મોટો પ્લાન: મોહન ભાગવત 100થી વધુ શહેરોના Gen Z સાથે કરશે સીધો સંવાદ


RSSનો મોટો પ્લાન: મોહન ભાગવત 100થી વધુ શહેરોના Gen Z સાથે કરશે સીધો સંવાદ


Mohan Bhagwat Gen Z Interaction: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત 6 ઓગસ્ટે મુંબઈમાં દેશભરના Gen Z અને Gen Alpha યુવાનો સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમ ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ (IIMUN)ની 15મી વર્ષગાંઠ અને વાર્ષિક ચેમ્પિયનશિપ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે યોજાશે.
આ કાર્યક્રમમાં દેશના 100થી વધુ શહેરોમાંથી 15થી 19 વર્ષની વયના 2,000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. RSSના જણાવ્યા મુજબ IIMUN યુવાનો દ્વારા સંચાલિત એક વૈશ્વિક પ્લેટફોર્મ છે, જે ભારતના 275 શહેરો અને વિશ્વના 40થી વધુ દેશોમાં કાર્યરત છે. IIMUNની સ્થાપના વર્ષ 2011માં થઈ હતી. 15થી 24 વર્ષની વયના યુવાનો દ્વારા સંચાલિત આ સંસ્થાના વિવિધ કાર્યક્રમો સાથે અત્યાર સુધીમાં 7.5 કરોડથી વધુ યુવાનો અને 1.5 લાખથી વધુ શાળાઓ તથા કોલેજો જોડાઈ ચૂક્યાં છે.
તાજેતરમાં દિલ્હીમાં થયેલા વિદ્યાર્થીઓના પ્રદર્શન બાદ Gen Z રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વિરોધ પક્ષે આંદોલનને "Gen Z મૂવમેન્ટ" તરીકે ઓળખાવ્યું હતું. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા મારફતે અનેક વખત યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો.
આ અગાઉ મોહન ભાગવતે ભારતીય સંસ્કૃતિ અને બદલાતા સામાજિક મૂલ્યો અંગે જણાવ્યું હતું કે સમય સાથે પરિવર્તન સ્વાભાવિક છે અને જીવનમાં અનુભવ સૌથી મોટો શિક્ષક સાબિત થાય છે. તેમણે માતૃત્વના મહત્વ પર ભાર મૂકતાં કહ્યું હતું કે માતાનો પ્રેમ અને ભાવનાત્મક સહારો જીવનના દરેક તબક્કે વ્યક્તિ માટે સૌથી મોટી શક્તિ બને છે. RSSના આ કાર્યક્રમને યુવાનો સાથે વિચારવિમર્શ અને નવી પેઢીને જોડવાના મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.




