‘મારો તિરંગો, મારું ગૌરવ’: PM મોદીની દેશવાસીઓને અપીલ, ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા કર્યું આહ્વાન


AI Generated Images
‘મારો તિરંગો, મારું ગૌરવ’: PM મોદીની દેશવાસીઓને અપીલ, ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા કર્યું આહ્વાન


AI Generated Images
Har Ghar Tiranga: દેશભરમાં રવિવારથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે દેશભક્તિ અને જનભાગીદારીના વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. આ વર્ષે 9થી 17 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર સંસ્કૃતિ મંત્રાલયની પોસ્ટને રિપોસ્ટ કરીને દેશવાસીઓને અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અપીલ કરી છે.
‘તિરંગો આપણું ગૌરવ છે’ : PM મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તિરંગો આપણું ગૌરવ છે અને દેશ માટે હંમેશા શ્રેષ્ઠ આપવા માટેની સતત પ્રેરણા છે. તેમણે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યોગદાન આપવાના સામૂહિક સંકલ્પને પુનઃ દોહરાવવા આહ્વાન કર્યું. આ વર્ષે ‘હર ઘર તિરંગા’ અભિયાનને ‘વંદે માતરમ્’ને સમર્પિત કરવામાં આવ્યું છે. દેશ ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ અભિયાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
તિરંગા યાત્રા, રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ‘હર ઘર તિરંગા’ માટે વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 150 વર્ષથી ‘વંદે માતરમ્’ના નાદે દેશની ભાવનાને પ્રેરિત કરી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરમાં તિરંગા યાત્રા, રેલી, સંગીત કાર્યક્રમો અને સામૂહિક ગાન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં મોટા જનસંપર્ક અભિયાનની તૈયારી
ભારતીય જનતા પાર્ટીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશમાં 10થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા-તિરંગા યાત્રા’ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ આ અભિયાનને બૂથ સ્તર સુધી પહોંચાડવાની યોજના બનાવી છે અને દરેક બૂથ પર ઓછામાં ઓછા 50 પરિવારોને જોડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ ઉપરાંત રાજ્યભરમાં તિરંગા યાત્રા, શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન તથા સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો યોજાશે.
રાજસ્થાન CMની પણ લોકોને અપીલ
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ રાજ્યના લોકોને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે તિરંગો દેશની અસ્મિતા, એકતા અને ગૌરવનું સર્વોચ્ચ પ્રતીક છે. તેમણે લોકોને 9થી 17 ઓગસ્ટ દરમિયાન પોતાના ઘર, પ્રતિષ્ઠાન અને સંસ્થાઓ પર સન્માનપૂર્વક તિરંગો ફરકાવવા તેમજ પોતાની સેલ્ફી ‘હર ઘર તિરંગા’ની વેબસાઇટ પર અપલોડ કરવા અપીલ કરી છે.
મધ્યપ્રદેશ અને હરિયાણામાં પણ કાર્યક્રમો
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ લોકોને 9થી 17 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન સાથે જોડાઈને તેને દેશભક્તિના પર્વમાં પરિવર્તિત કરવા અપીલ કરી છે. હરિયાણામાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાના કાર્યક્રમ ‘યુથ મેરેથોન અને વંદે માતરમ્ કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની ઉપસ્થિત રહ્યા હતા.




