દિલ્હીમાં ભારે વરસાદને કારણે 15 ફ્લાઇટ્સ રદ, જયપુર અને લખનઉની ફ્લાઇટ્સ ડાયવર્ટ



દિલ્હીમાં ભારે વરસાદને કારણે 15 ફ્લાઇટ્સ રદ, જયપુર અને લખનઉની ફ્લાઇટ્સ ડાયવર્ટ



નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે પડેલા ભારે વરસાદ અને તેજ પવનોને કારણે હવાઈ સેવા પર અસર જોવા મળી હતી. ખરાબ હવામાનના કારણે કુલ 15 ફ્લાઇટ્સને દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવાને બદલે જયપુર અને લખનૌ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવી પડી હતી. મળતી માહિતી મુજબ, ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ્સમાં 10 ડોમેસ્ટિક અને 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ભારે વરસાદ, નીચી દૃશ્યતા અને પવનના તેજ ઝોકાંઓને કારણે એર ટ્રાફિક મેનેજમેન્ટ માટે પડકારજનક પરિસ્થિતિ સર્જાઈ હતી.
વરસાદથી તાપમાનમાં ઘટાડો
વરસાદ બાદ દિલ્હીના લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ બપોરે લગભગ 1 વાગ્યે દિલ્હીનું તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે લઘુત્તમ તાપમાન 26 થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે અને મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું.
આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા
IMDના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદના બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. દિલ્હીમાં આગામી કેટલાક દિવસો દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને તેજ પવનો ફૂંકાવાની શક્યતા છે.
હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં આગળ વધશે ચોમાસું
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના બાકીના વિસ્તારોમાં આગળ વધશે. રાજસ્થાનમાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. શિમલા હવામાન કેન્દ્ર દ્વારા કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



