કોમનવેલ્થ ગેમ્સ 2026ના મેડલ વિજેતાઓને મળશે PM મોદી, ભારતે જીત્યા 39 મેડલ


કોમનવેલ્થ ગેમ્સ 2026ના મેડલ વિજેતાઓને મળશે PM મોદી, ભારતે જીત્યા 39 મેડલ


Commonwealth Games 2026 Medal Winners: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં દેશનું ગૌરવ વધારનારા ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે સાંજે 4 વાગ્યે મુલાકાત કરશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતાં 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા છે. રેસલિંગ, બેડમિન્ટન, હોકી અને શૂટિંગ જેવી કેટલીક મહત્વની રમતોની ગેરહાજરી હોવા છતાં ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026માં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ગ્લાસગોમાં ભારતીય ખેલાડીઓએ અનેક ઐતિહાસિક સિદ્ધિઓ પોતાના નામે કરી હતી.
જૂડોમાં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન
જૂડોમાં ભારતે પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. અસ್ಮિતા ડેએ ભારતને આ રમતમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો, જ્યારે હર્ષ સિંહે પણ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું. જૂડોમાં ભારતે કુલ ચાર મેડલ પોતાના નામે કર્યા.
બોક્સિંગમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
ભારતીય બોક્સરોએ પણ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ભારતે બોક્સિંગમાં કુલ 10 મેડલ જીત્યા, જેમાં 7 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ખાસ કરીને મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતના 7 ગોલ્ડ મેડલમાંથી 5 ગોલ્ડ મહિલા બોક્સરોએ જીત્યા હતા.
ગુલવીર સિંહે રચ્યો ઈતિહાસ
લાંબા અંતરની દોડમાં ગુલવીર સિંહે પણ ઐતિહાસિક સિદ્ધિ મેળવી. તેઓ એક જ કોમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ જીતનારા ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતના પ્રથમ ખેલાડી બન્યા. ગુલવીર સિંહે 10 હજાર મીટરની રેસમાં સિલ્વર મેડલ જ્યારે 5 હજાર મીટરની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
વેઇટલિફ્ટિંગમાં પણ ભારતનો દબદબો
વેઇટલિફ્ટિંગમાં ભારતીય ખેલાડીઓએ કુલ 8 મેડલ જીત્યા હતા. સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ સતત ત્રીજી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક હેટ્રિક નોંધાવી. બીજી તરફ, લવપ્રીત સિંહે સ્નેચ રાઉન્ડમાં કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ બનાવતાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.
પેરા એથ્લેટ્સે પણ વધાર્યું દેશનું ગૌરવ
ભારતના પેરા એથ્લેટ્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને કુલ 7 મેડલ જીત્યા. શોટપુટમાં શર્મિલા ધનખડે ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ પેરા એથ્લેટ બનીને ઈતિહાસ રચ્યો. દિલીપ મહાદુ ગાવિતે પુરુષોની 100 મીટર T47 રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે સોમન રાણાએ શોટપુટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.
મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ જીત્યા હતા. આ પ્રદર્શન સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું. ભારત પરત ફર્યા બાદ કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ દેશ માટે મેડલ જીતનારા તમામ ખેલાડીઓનું સન્માન કર્યું હતું. ગોલ્ડ મેડલ વિજેતાઓને 30 લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાઓને 20 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 10 લાખ રૂપિયાના ચેક પણ આપવામાં આવ્યા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે મેડલ વિજેતા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરીને તેમના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન આપશે.




