બિહાર NEET આંદોલન હિંસક બન્યું: 355 લોકોને જેલ, 91 પોલીસકર્મી ઘાયલ, સરકારે આંકડા કર્યા જાહેર


બિહાર NEET આંદોલન હિંસક બન્યું: 355 લોકોને જેલ, 91 પોલીસકર્મી ઘાયલ, સરકારે આંકડા કર્યા જાહેર


પટણા: બિહારમાં NEET મુદ્દે વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને રાજકીય પક્ષોના યુવા મોરચા દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી છે. બિહાર પોલીસ મુખ્યાલયે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યભરમાં કુલ 694 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા, જેમાંથી ચકાસણી બાદ 339 વિદ્યાર્થીઓ અને સગીરોને મુક્ત કરવામાં આવ્યા, જ્યારે હિંસામાં સંડોવણી સામે આવતા 355 લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
91 પોલીસકર્મીઓ સહિત અનેક અધિકારીઓ ઘાયલ
પોલીસના જણાવ્યા અનુસાર હિંસા દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હતી. આ દરમિયાન 91 પોલીસ અધિકારીઓ અને જવાનો ઘાયલ થયા છે. ઘાયલોમાં સીવાન અને સીતામઢીના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, બે SDPO તેમજ અનેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જનો સમાવેશ થાય છે. ગાંધી મેદાન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને ગંભીર ઇજાઓ પહોંચી છે.
13 સામાન્ય નાગરિકો પણ ઘાયલ
હિંસા દરમિયાન 14 સરકારી વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું, જ્યારે એક વાહનને આગ ચાંપી દેવામાં આવ્યું હતું. ઉપરાંત 13 સામાન્ય નાગરિકો પણ ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું છે. સારણ જિલ્લામાં સદર પ્રખંડના BDO ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અનુસાર તેમની એક આંખની દ્રષ્ટિ ગુમાઈ ગઈ છે અને હાલ તેમનો સારવાર હેઠળ છે. રેવિલગંજના BDO પર પણ જીવલેણ હુમલો થયો હતો, જેમાં તેમના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
સીવાનમાં AK-47 ફાયરિંગ મામલે સ્પષ્ટતા
સીવાનમાં AK-47થી ફાયરિંગના મામલે બિહાર પોલીસે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે પ્રદર્શનકારીઓથી ઘેરાઈ જતાં એક પોલીસ જવાને સરકારી સંપત્તિ અને પોલીસ દળની સુરક્ષા માટે હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે સંબંધિત જવાનને તાત્કાલિક સસ્પેન્ડ કરી વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ત્રણ યુવકોને ગોળી વાગી, તપાસ ચાલુ
ત્રણ યુવકોને ગોળી વાગ્યાના કેસમાં અલગ-અલગ FIR નોંધાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય જુદી-જુદી જગ્યાએ ઘાયલ થયા હતા અને હાલ તેમની સ્થિતિ જોખમ બહાર છે. એક ઘાયલ યુવકને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં AK-47ની ગોળીથી કોઈ ઘાયલ થયાની પુષ્ટિ થઈ નથી. સમગ્ર ઘટનાની તપાસ કમિશનર અને DIG સ્તરની સંયુક્ત ટીમ કરી રહી છે અને અંતિમ અહેવાલની રાહ જોવાઈ રહી છે.




