અતીક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત, કાર ડિવાઇડર સાથે અથડાઈ


અતીક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત, કાર ડિવાઇડર સાથે અથડાઈ


ઝાંસી: માફિયા અતીક અહમદના પુત્ર આબાન અહમદનું ગુરુવારે (6 ઓગસ્ટ) ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માતમાં તેની સાથે રહેલા સોનૂ નામના વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
માહિતી મુજબ, આબાન અહમદ પોતાના મિત્રો સાથે ઝાંસી જેલમાં બંધ ભાઈ અલી અહમદને મળવા જઈ રહ્યો હતો. સવારે લગભગ 10:30 વાગ્યે કાનપુર-ઝાંસી હાઈવે પર પુછ પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે તેમની કાર અચાનક બેકાબૂ બની ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો.
અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ગંભીર રીતે ઘાયલ આબાન અહમદ અને સોનૂને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઉમર અહમદ, મોહમ્મદ ઝૈદ અને અસલમને ગંભીર હાલતમાં ઝાંસી મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે.
પરિવારના સભ્યો અને અતીક અહમદના નજીકના સંબંધીઓનો દાવો છે કે કારની સામે અચાનક એક જાનવર આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જોકે, પોલીસે હજુ સુધી અકસ્માતનું સત્તાવાર કારણ જાહેર કર્યું નથી અને તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે અતીક અહમદના પાંચ પુત્રો હતા. જેમાંથી અસદ અહમદ વર્ષ 2023માં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, જ્યારે અલી અહમદ હાલમાં ઝાંસી જેલમાં બંધ છે. અતીક અહમદની પણ વર્ષ 2023માં હત્યા કરવામાં આવી હતી.




