IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન સહિત 5 દોષિતોને આજીવન કેદ


IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન સહિત 5 દોષિતોને આજીવન કેદ


નવી દિલ્હી: વર્ષ 2020ના દિલ્હી રમખાણ દરમિયાન IB (ઇન્ટેલિજન્સ બ્યુરો)ના અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં કડકડડૂમા કોર્ટે પૂર્વ પારષદ તાહિર હુસૈન સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે.
શુક્રવારે સજાની જાહેરાત કરતાં કોર્ટે જણાવ્યું કે આ ઘટના અત્યંત ગંભીર અને સમાજને હચમચાવી નાખે તેવી હતી. કોર્ટે નોંધ્યું કે અંકિત શર્માની અત્યંત નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. અદાલતે જણાવ્યું કે હુમલો એટલો ક્રૂર હતો કે મૃત્યુ બાદ પણ મૃતદેહને ઘસડીને ચાંદ બાગ વિસ્તારમાં લઈ જઈ નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો. કોર્ટે આ ઘટનાને સમાજ માટે ચિંતાજનક ગણાવી હતી.
દિલ્હી પોલીસે આ કેસને 'રેરેસ્ટ ઓફ રેર' ગણાવી દોષિતોને ફાંસીની સજાની માંગ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, અંકિત શર્માના શરીર પર કુલ 51 ઇજાના નિશાન હતા, જેમાંથી 7 જીવલેણ હતા અને 16 ઘા ધારદાર હથિયારથી કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 13 જુલાઈ, 2026ના રોજ કોર્ટે તાહિર હુસૈન, નઝીમ, કાસિમ, અનસ અને જાવેદને દોષિત જાહેર કર્યા હતા. જોકે, બચાવ પક્ષે ફાંસીની સજાનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે માત્ર ઇજાઓના આધારે મૃત્યુદંડ આપવો યોગ્ય નથી. આ ચુકાદા સાથે દિલ્હી રમખાણના સૌથી ચર્ચિત કેસોમાંથી એકમાં મહત્વપૂર્ણ કાનૂની નિર્ણય આવ્યો છે.




