અમિત શાહને ગાળો આપવા બદલ મોટી કાર્યવાહી! સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે Zero FIR, કેસ મૈસુર ટ્રાન્સફર


અમિત શાહને ગાળો આપવા બદલ મોટી કાર્યવાહી! સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે Zero FIR, કેસ મૈસુર ટ્રાન્સફર


નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક વીડિયો શેર કરવાના મામલે લદ્દાખ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યોગેશ પરમાર સામે Zero FIR નોંધવામાં આવી છે. આ કેસનું ક્ષેત્રાધિકાર કર્ણાટકના મૈસુરમાં આવતું હોવાથી આગળની તપાસ માટે કેસ દેવરાજા પોલીસ સ્ટેશન, મૈસુરને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
પોલીસને મળેલી ફરિયાદ મુજબ યોગેશ પરમારે ફેસબુક પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ગૃહમંત્રી અમિત શાહ અંગે અપમાનજનક અને ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
ફરિયાદમાં જણાવાયું છે કે આવા વીડિયો સમાજમાં નફરત, અસંતોષ અને સામાજિક વૈમનસ્ય ફેલાવી શકે છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ શકે છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસે આરોપી સામે રાષ્ટ્રીય અખંડિતતા વિરુદ્ધ કૃત્ય, શાંતિ ભંગ કરવાના ઇરાદે અપમાનજનક નિવેદન અને જાહેર ઉપદ્રવ ફેલાવવાના આરોપો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. જો આરોપ સાબિત થશે તો આરોપીને બેથી ત્રણ વર્ષની સજા તેમજ દંડ થઈ શકે છે. લદ્દાખ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ઘટના મૈસુર સાથે સંકળાયેલી હોવાથી કેસને આગળની તપાસ માટે કર્ણાટક પોલીસને સોંપવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.




