દક્ષિણ ભારતની આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે પુડુચેરી પોલીસ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ


દક્ષિણ ભારતની આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે પુડુચેરી પોલીસ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ


Puducherry Police President's Police Colour: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પુડુચેરી પોલીસને પ્રતિષ્ઠિત ‘રાષ્ટ્રપતિ પોલીસ કલર’ એનાયત કરવામાં આવતા અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે 5,000થી ઓછા કર્મચારીઓ ધરાવતી પુડુચેરી પોલીસે મર્યાદિત સંસાધનો હોવા છતાં મહેનત, બહાદુરી, સેવા અને સમર્પણથી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવ્યું છે. પુડુચેરીમાં આયોજિત વિશેષ કાર્યક્રમ દરમિયાન અમિત શાહે પોલીસને રાષ્ટ્રપતિનું ચિહ્ન અર્પણ કર્યું હતું.
પુડુચેરી પોલીસને મોટી ઉપલબ્ધિ બદલ અભિનંદન
અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહ મંત્રાલય તરફથી તેઓ પુડુચેરીના મુખ્યમંત્રી, કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર, પુડુચેરી પોલીસ અને સમગ્ર પુડુચેરીની જનતાને આ મોટી ઉપલબ્ધિ બદલ હૃદયપૂર્વક અભિનંદન આપે છે. તેમણે કહ્યું કે પુડુચેરી પોલીસે પોતાની જવાબદારીઓ મહેનત, બહાદુરી, સેવા ભાવના અને સમર્પણ સાથે નિભાવી છે. પોલીસના આ શાનદાર કાર્યને કારણે જ તેને ‘રાષ્ટ્રપતિ પોલીસ કલર’ જેવા પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવી છે.
‘રાષ્ટ્રપતિ પોલીસ કલર’ શું છે?
‘રાષ્ટ્રપતિ પોલીસ કલર’ ભારતમાં કોઈ પોલીસ દળ અથવા સૈન્ય એકમને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. તેને ‘નિશાન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સન્માન શ્રેષ્ઠ કામગીરી, બહાદુરી, શિસ્ત અને ઉત્તમ સેવાના બદલામાં આપવામાં આવે છે. અમિત શાહે સ્પષ્ટ કર્યું કે આ સન્માન માત્ર કોઈ સરકારી ફાઇલ કે આદેશના આધારે મળ્યું નથી, પરંતુ પોલીસના વર્ષોના પરિશ્રમ, સાહસ, સેવા અને સમર્પણનું પરિણામ છે.
‘પુડુચેરી દક્ષિણ ભારતની આધ્યાત્મિક ચેતનાનું જીવંત પ્રતીક’
અમિત શાહે પુડુચેરીની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતનો ઉલ્લેખ કરતા કહ્યું કે પુડુચેરી દક્ષિણ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું જીવંત પ્રતીક છે. તેમણે કહ્યું કે શ્રી અરવિંદ અને શ્રી માંના આશ્રમમાંથી પુડુચેરીની આધ્યાત્મિક ચેતનાને શક્તિ મળી છે અને આ આધ્યાત્મિક ઊર્જાએ દેશને પણ દિશા આપવાનું કામ કર્યું છે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે લગભગ 230 વર્ષ સુધી ફ્રેન્ચ શાસન હેઠળ રહ્યા હોવા છતાં પુડુચેરીએ પોતાની ભારતીયતા અને આધ્યાત્મિક ઊર્જાને જાળવી રાખી છે.
કોરોના કાળમાં પુડુચેરી પોલીસની કામગીરીને બિરદાવી
અમિત શાહે કોરોના મહામારી દરમિયાન પુડુચેરી પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે કોરોના સમગ્ર વિશ્વ માટે એક મોટી પડકારજનક સ્થિતિ બની ગયો હતો, ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને ખાસ કરીને કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થિતિની નિયમિત સમીક્ષા કરવામાં આવતી હતી. આ મુશ્કેલ સમયમાં પુડુચેરી પોલીસ આગળ રહીને કામ કરતી હતી. પોલીસે વૃદ્ધો, બાળકો અને મહિલાઓની સેવા માટે બહાદુરીપૂર્વક કામગીરી કરી હતી. અમિત શાહે કહ્યું કે તેઓ પુડુચેરી પોલીસની નિષ્ઠા અને સમર્પણને હંમેશા યાદ રાખશે.
નવા ફોજદારી કાયદાનો પણ કર્યો ઉલ્લેખ
ગૃહમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા નવા ફોજદારી કાયદાના અમલનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બ્રિટિશ કાળના કાયદાઓમાં ફેરફાર કરીને ત્રણ નવા ભારતીય ફોજદારી કાયદા લાગુ કરવામાં આવ્યા છે. આ કાયદાઓનો ઉદ્દેશ માત્ર સજા આપવાનો નહીં પરંતુ નાગરિકોને ઝડપી અને યોગ્ય ન્યાય આપવાનો છે.
અમિત શાહે જણાવ્યું કે નવા કાયદા ટેક્નોલોજી, ટાઇમલાઇન અને ટ્રસ્ટ જેવા ત્રણ સ્તંભો પર આધારિત છે. જેના કારણે દેશની ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને વિશ્વસનીય બનશે. અમિત શાહે કહ્યું કે પુડુચેરી પોલીસની બહાદુરી અને સમર્પણ પોલીસના ઇતિહાસમાં એક ‘સુવર્ણ અધ્યાય’ તરીકે યાદ રાખવામાં આવશે.




