એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈ વિલંબ નહીં: સરકારની સંસદમાં સ્પષ્ટતા


એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈ વિલંબ નહીં: સરકારની સંસદમાં સ્પષ્ટતા


નવી દિલ્હી: અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયા AI-171 બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈપણ પ્રકારનો વિલંબ થયો નથી અને તપાસ સંપૂર્ણપણે નિર્ધારિત પ્રક્રિયા મુજબ આગળ વધી રહી છે, તેવી સ્પષ્ટતા કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લેખિત જવાબમાં જણાવ્યું કે મોટા વિમાન અકસ્માતોની તપાસમાં અનેક ટેક્નિકલ અને વૈજ્ઞાનિક પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવી પડતી હોય છે. તેથી અંતિમ તપાસ રિપોર્ટ ક્યારે તૈયાર થશે તેની કોઈ નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરી શકાય નહીં.
તમામ સંભવિત કારણોની થઈ રહી છે તપાસ
સરકારે જણાવ્યું કે દુર્ઘટના પાછળ રહેલા તમામ સંભવિત કારણો અને તેમાં જવાબદાર બની શકે તેવા દરેક પરિબળોની વ્યાપક તપાસ ચાલી રહી છે. હાલ કોઈ એક કારણને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે તપાસના ભાગરૂપે વિમાનના થ્રસ્ટ કન્ટ્રોલ મોડ્યુલની મૂળ ઉત્પાદક કંપની (OEM)ની સુવિધામાં પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
AAIB પારદર્શક રીતે કરી રહ્યું છે તપાસ
સરકારે જણાવ્યું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) સમગ્ર તપાસ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર અને સંપૂર્ણ પારદર્શિતા સાથે કરી રહ્યું છે. AAIB દ્વારા 12 જુલાઈ 2025ના રોજ પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે 12 જૂન 2026ના રોજ ICAO Annex-13 મુજબ અંતરિમ નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ અંતિમ રિપોર્ટ જાહેર કરવામાં આવશે.
અકસ્માતમાં 260 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે 12 જૂને અમદાવાદથી લંડન-ગેટવિક જતી એર ઈન્ડિયાની AI-171 ફ્લાઇટ ટેકઓફ બાદ માત્ર 35 સેકન્ડમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. જમીન પર રહેલા 19 લોકોના પણ જીવ ગયા હતા, જ્યારે વિમાનમાં સવાર માત્ર એક મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો હતો.
પ્રાથમિક રિપોર્ટમાં શું સામે આવ્યું?
AAIBની પ્રાથમિક તપાસ અનુસાર દુર્ઘટના પહેલાં વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વિચ 'RUN'માંથી 'CUTOFF' સ્થિતિમાં પહોંચી ગયા હતા, જેના કારણે બંને એન્જિનની શક્તિ બંધ થઈ ગઈ હતી. કોકપિટ વૉઇસ રેકોર્ડર (CVR)માં એક પાયલોટે બીજા પાયલોટને જણાવ્યું હતું કે તેણે ફ્યુઅલ કન્ટ્રોલ સ્વિચ બંધ કર્યા નહોતા. જોકે બાદમાં બંને સ્વિચ ફરીથી 'RUN' સ્થિતિમાં લાવવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં વિમાનને બચાવવા માટે ઘણો મોડો થઈ ગયો હતો.
અંતિમ રિપોર્ટની રાહ જોવાની અપીલ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલનો રિપોર્ટ માત્ર પ્રાથમિક તારણો પર આધારિત છે. તેમણે લોકોને અપીલ કરી છે કે અંતિમ તપાસ રિપોર્ટ જાહેર થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારના તારણો પર ન પહોંચવું જોઈએ.




