અભિષેક બેનર્જીની કથિત ગેરકાયદે ઓફિસ પર બુલડોઝર કાર્યવાહી, ત્રણ JCBથી પાંચ માળની ઈમારત તોડી પાડવાની શરૂઆત


અભિષેક બેનર્જીની કથિત ગેરકાયદે ઓફિસ પર બુલડોઝર કાર્યવાહી, ત્રણ JCBથી પાંચ માળની ઈમારત તોડી પાડવાની શરૂઆત


કોલકાતા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીની કથિત ગેરકાયદે ઓફિસ સામે પ્રશાસને મોટી કાર્યવાહી હાથ ધરી છે. દક્ષિણ 24 પરગણાના અમતાલા-બારુઈપુર રોડ પર આવેલી પાંચ માળની ઓફિસને તોડી પાડવા માટે ત્રણ JCB મશીનો સાથે બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યું છે.
પ્રશાસનના જણાવ્યા મુજબ આ ઈમારત જરૂરી મંજૂરી વગર બનાવવામાં આવી હતી. અગાઉ પણ ઓફિસને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ સંતોષકારક જવાબ ન મળતાં તોડફોડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બુલડોઝર કાર્યવાહી શરૂ થતાં જ સ્થળ પર સ્થાનિક લોકો, ભાજપ અને TMCના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. સ્થિતિ તંગ બનતાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
જિલ્લા પ્રશાસનનો દાવો છે કે ઓફિસના બાંધકામ સંબંધિત જરૂરી કાનૂની દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નહોતા. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આ ઓફિસ બંધ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે અને આ મુદ્દે રાજકીય આરોપ-પ્રત્યારોપ તેજ બનવાની શક્યતા છે.




