IMDની મોટી ચેતવણી, 2026માં દુષ્કાળનું સંકટ; માત્ર 90% વરસાદની શક્યતા



IMDની મોટી ચેતવણી, 2026માં દુષ્કાળનું સંકટ; માત્ર 90% વરસાદની શક્યતા



Monsoon India: હવામાન વિભાગે (IMD) શુક્રવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા (જૂન થી સપ્ટેમ્બર) 2026 માટે તેની બીજી લાંબા ગાળાની આગાહી જાહેર કરી હતી. આ મુજબ ચાલુ વર્ષે દેશના ઘણા મુખ્ય ભાગોમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે. હવામાન વિભાગ અનુસાર, દેશમાં ચોમાસું લાંબા ગાળાની આગાહીના 90 ટકા પર રહી શકે છે. આ પરિસ્થિતિ સામાન્ય કરતા ઓછા ચોમાસાનો સંકેત આપે છે. વિભાગ અનુસાર, આ ટકાવારી ચાર ટકા ઘટી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર-પૂર્વ ભારતમાં ચોમાસાની સ્થિતિ સામાન્ય રહેવાની ધારણા છે, જ્યાં લાંબા ગાળાના સરેરાશના 94થી 106 ટકા વરસાદ થવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ સામાન્યથી ઓછો (લાંબા ગાળાના સરેરાશના 92 ટકાથી ઓછો) રહેવાની ધારણા છે. આ ઉપરાંત, મધ્ય ભારતમાં પણ ચોમાસાની ગતિ ધીમી રહી શકે છે અને વરસાદ સામાન્યથી ઓછો (લાંબા ગાળાના સરેરાશના 94 ટકાથી ઓછો) રહેવાની ધારણા છે.
દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના આ પ્રદેશમાં ચોમાસાની સ્થિતિ સામાન્યથી નીચે (લાંબા ગાળાના સરેરાશના 94 ટકાથી નીચે) રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના 'ચોમાસાના મુખ્ય ક્ષેત્ર', જેમાં દેશના મોટાભાગના વરસાદ આધારિત કૃષિ વિસ્તારોનો સમાવેશ થાય છે. ત્યાં આ વર્ષે લાંબા ગાળાના સરેરાશના 94 ટકા સાથે સામાન્યથી નીચે ચોમાસુ રહેવાની શક્યતા છે. જો આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેશે, તો દેશમાં પાણીની અછત, પાણીની કટોકટી અને વીજળી ઉત્પાદન પણ પ્રભાવિત થઈ શકે છે.
હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાના સમયગાળાને ધ્યાનમાં રાખીને આ બીજી આગાહી જાહેર કરી છે. પહેલી આગાહી 13 એપ્રિલે જાહેર કરવામાં આવી હતી. હવામાન વિભાગે એમ પણ કહ્યું હતું કે, 2026નું ચોમાસું સામાન્ય કરતાં ઓછું અથવા નબળું રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં તાપમાન સામાન્ય કરતા વધારે રહી શકે છે.




