AMTS-BRTS બસોમાં AI ડેશકેમ, હવે શહેરની દરેક ગડબડ પર રહેશે રિયલ-ટાઈમ નજર



ફાઈલ ફોટો
AMTS-BRTS બસોમાં AI ડેશકેમ, હવે શહેરની દરેક ગડબડ પર રહેશે રિયલ-ટાઈમ નજર



ફાઈલ ફોટો
અમદાવાદ: સ્માર્ટ ગવર્નન્સ તરફ વધુ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા શહેરની લગભગ 1000 AMTS અને BRTS બસોમાં AI આધારિત ડેશકેમ લગાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું અમલ Smart City Ahmedabad Development Limited (SCADL) હેઠળ કરવામાં આવશે.

આ AI ડેશકેમ બસોને શહેરમાં ફરતા મોબાઇલ સર્વેલન્સ યુનિટ તરીકે કાર્યરત બનાવશે. અત્યાર સુધી જે CCTV કેમેરા માત્ર એક જ જગ્યાએ નજર રાખતા હતા, તેની સામે આ સિસ્ટમ શહેરના 5000 કિમીથી વધુ રોડ નેટવર્ક પર સતત મોનિટરિંગ કરશે.
નવી ટેક્નોલોજી દ્વારા રસ્તા પર કચરો, પાણી ભરાવા, ખાડા, ખુલ્લા મેનહોલ, હેલ્મેટ વગરના વાહનચાલક, વાંકી દિશામાં ડ્રાઈવિંગ, ગેરકાયદે પાર્કિંગ, સ્ટ્રીટલાઈટ ફોલ્ટ, ટ્રાફિક સિગ્નલ ખામી સહિતની અનેક સમસ્યાઓ રિયલ ટાઈમમાં ઓળખી તરત જ AMC સર્વર પર એલર્ટ મોકલવામાં આવશે.
સિસ્ટમ ખાસ કરીને લગભગ 20 પ્રકારના નાગરિક અને ટ્રાફિક સંબંધિત કેસોને ઓળખવા સક્ષમ રહેશે. શરૂઆતના છ મહિનામાં મુખ્ય નાગરિક સમસ્યાઓ પર ફોકસ કરવામાં આવશે, ત્યારબાદ તેની ક્ષમતાઓ વધુ વિસ્તૃત કરવામાં આવશે.
AMCના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટથી શહેરનું ગવર્નન્સ ‘કમ્પ્લેઈન્ટ આધારિત’ સિસ્ટમમાંથી ‘પ્રો-એક્ટિવ મોનિટરિંગ’ મોડેલ તરફ જશે. અત્યાર સુધી નાગરિકોની ફરિયાદો પર આધાર રાખવામાં આવતો હતો, પરંતુ હવે સિસ્ટમ જાતે જ સમસ્યાઓ શોધી તેનો ઉકેલ લાવશે.
આ પ્રોજેક્ટથી ફરિયાદોના નિરાકરણમાં ઝડપ આવશે, તેમજ હોટસ્પોટ વિસ્તારો, અકસ્માત ઝોન અને વારંવાર થતી ટ્રાફિક સમસ્યાઓની ઓળખ સરળ બનશે. આ ડેટા શહેરના ભવિષ્યના આયોજનમાં પણ મદદરૂપ થશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઓટોમેશનથી ટ્રાફિક અમલવારી વધુ પારદર્શક બનશે અને ઈ-ચલાન સિસ્ટમમાં માનવીય ભૂલ અને ભેદભાવની શક્યતા ઘટશે. આ યોજના આગામી છ મહિનામાં અમલમાં આવશે અને ત્રણ વર્ષ સુધી તેનું ઓપરેશન અને મેન્ટેનન્સ ચાલુ રહેશે.




