હૈદરાબાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ યથાવત, અધિકારીઓએ જમીનની ફેન્સિંગ ચાલુ રાખી


હૈદરાબાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ યથાવત, અધિકારીઓએ જમીનની ફેન્સિંગ ચાલુ રાખી


તેલંગાણાના શમશાબાદ વિસ્તારમાં પ્રસ્તાવિત બુલેટ ટ્રેન હબ માટે જમીન સંપાદન મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. બહાદુરગુડા ગામમાં ખેડૂતોના વિરોધ છતાં અધિકારીઓએ 650 એકર જમીન પર ફેન્સિંગની કામગીરી ચાલુ રાખી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને બહારના લોકોને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી આ જમીન પર ખેતી કરીને જીવન નિર્વાહ કરે છે અને યોગ્ય વળતર અથવા વૈકલ્પિક જમીન મળ્યા વગર તેઓ જમીન છોડશે નહીં. બીજી તરફ, રેવન્યુ વિભાગનો દાવો છે કે આ જમીન સરકારી માલિકીની છે.
શનિવારે ફેન્સિંગ શરૂ થતાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો અને મરચાંનો પાવડર ફેંક્યાનો પણ આરોપ છે, જેમાં કેટલાક પોલીસ અધિકારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અનેક પ્રદર્શનકારીઓ અને રાજકીય કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
વિરોધ દરમિયાન ગામની વીજળી કાપી દેવામાં આવી હોવાના તેમજ સ્કૂલ બસોને પણ રોકવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે અને જમીન સંપાદનનો વિરોધ કર્યો છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં હૈદરાબાદને પુણે, ચેન્નઈ અને બેંગલુરુ સાથે જોડતા હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર શમશાબાદ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક બુલેટ ટ્રેન હબ વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે, જ્યારે સમગ્ર મામલે ખેડૂતો અને સરકાર વચ્ચેનો વિવાદ હજુ યથાવત છે.




