હેર કલર ઝડપથી ફેડ થઈ જાય છે? જાણો 5 સામાન્ય ભૂલો અને એક્સપર્ટના ઉપાયો, મળશે લાંબા સમય સુધી ચમકદાર વાળ



હેર કલર ઝડપથી ફેડ થઈ જાય છે? જાણો 5 સામાન્ય ભૂલો અને એક્સપર્ટના ઉપાયો, મળશે લાંબા સમય સુધી ચમકદાર વાળ



આજકાલ વાળને કલર કરાવવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, કારણ કે લોકો સફેદ વાળ છુપાવવા અથવા નવો લુક મેળવવા માટે હેર કલર પસંદ કરે છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ છે કે સેલૂનમાં હજારો રૂપિયા ખર્ચ્યા પછી પણ થોડા જ વોશમાં કલર ફિકો પડી જાય છે અને વાળ સૂકા તથા ફ્રિઝી દેખાવા લાગે છે.
હેર એક્સપર્ટ વિપુલ ચૂડાસમાના જણાવ્યા મુજબ, સમસ્યા હેર કલરમાં નહીં પરંતુ ખોટા હેર કેર રુટિનમાં છે. જો કેટલીક સામાન્ય ભૂલો ટાળવામાં આવે તો કલર્ડ વાળ લાંબા સમય સુધી ચમકદાર અને સ્મૂથ રહી શકે છે.
સૌથી પહેલી ભૂલ છે વારંવાર વાળ ધોવાની. રોજ કે એક દિવસ છોડીને વાળ ધોવાથી કલર પિગમેન્ટ ઝડપથી ધોઈ જાય છે. એક્સપર્ટ મુજબ અઠવાડિયામાં માત્ર 2 થી 3 વખત જ વાળ ધોવા જોઈએ.
બીજી ભૂલ છે સામાન્ય અથવા સલ્ફેટવાળા શેમ્પૂનો ઉપયોગ. કલર્ડ વાળ માટે ખાસ કલર-પ્રોટેક્ટ શેમ્પૂ અને કન્ડિશનર જરૂરી છે, જે કલર લૉક કરવામાં મદદ કરે છે.
ત્રીજી મોટી ભૂલ છે વધુ હીટ સ્ટાઇલિંગ. બ્લો ડ્રાયર, સ્ટ્રેટનર અને કર્લિંગ આયરન વાળના ક્યુટિકલ્સ ખોલી નાખે છે, જેના કારણે કલર ઝડપથી ફેડ થાય છે. ઉપયોગ કરવો હોય તો હીટ પ્રોટેક્ટન્ટ સ્પ્રે ફરજિયાત છે.
ચોથી ભૂલ છે સૂર્યપ્રકાશનો અવગણો. UV કિરણો વાળના કલરને ઓક્સિડાઇઝ કરી દે છે. તેથી બહાર જતા સમયે સ્કાર્ફ, કેપ અથવા UV પ્રોટેક્ટન્ટ સીરમનો ઉપયોગ કરવો જોઈએ.
પાંચમી ભૂલ છે ભારે તેલનો ઉપયોગ. સરસવ જેવા ભારે તેલ કલર પિગમેન્ટને ધીમે ધીમે કાઢી નાખે છે. તેના બદલે આર્ગન, બદામ અથવા જોજોબા જેવા હળવા તેલ વધુ યોગ્ય છે.
એક્સપર્ટ્સ કહે છે કે જો યોગ્ય કાળજી રાખવામાં આવે તો હેર કલર લાંબા સમય સુધી ચમકદાર અને સ્મૂથ રહી શકે છે અને વાળમાં ફ્રિઝીપણું પણ ઓછું થાય છે.




