પાઠ્યપુસ્તકોના ભાવમાં નહીં થાય વધારો, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય



ફાઈલ ફોટો
પાઠ્યપુસ્તકોના ભાવમાં નહીં થાય વધારો, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય



ફાઈલ ફોટો
અમદાવાદ: વધતી મોંઘવારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત આપવામાં આવી છે. આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં કોઈ વધારો નહીં કરવામાં આવે અને વિદ્યાર્થીઓને પુસ્તકો જૂના દરે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંગેની માહિતી પાઠ્યપુસ્તક બોર્ડના ચેરમેન મનુભાઈ પાવરાએ આપી હતી.
તાજેતરની વૈશ્વિક પરિસ્થિતિને કારણે વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ સહિત અનેક વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પુસ્તકોના છાપકામ માટે ઉપયોગમાં લેવાતા કાગળના ભાવમાં પણ વધારો નોંધાયો છે, કારણ કે કાગળનો મોટો જથ્થો વિદેશથી આયાત કરવામાં આવે છે.
તેમ છતાં આ વધારાનો બોજ વાલીઓ પર ન પડે તે માટે રાજ્ય સરકારે પાઠ્યપુસ્તકોના ભાવ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વાલીઓને પાઠ્યપુસ્તકો અગાઉના જ ભાવથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાં વિદ્યાર્થીઓને સમયસર પાઠ્યપુસ્તકો મળી રહે તે માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પુસ્તકોનું વિતરણ ઝડપી બને તે માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે મોંઘવારીના સમયમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થવાથી તેમને આર્થિક રાહત મળશે.




