અનંતનાગમાં આતંકી હુમલો: પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી શહીદ, સમગ્ર વિસ્તાર સીલ


અનંતનાગમાં આતંકી હુમલો: પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી શહીદ, સમગ્ર વિસ્તાર સીલ


શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લાલ ચોક વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ દળને નિશાન બનાવી હુમલો કરતાં એક પોલીસ જવાન શહીદ થયા છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા દળોએ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. મળતી માહિતી અનુસાર, અનંતનાગના લાલ ચોક નજીક કોકેરનાગ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી ફરજ પર તૈનાત હતા. તે દરમિયાન એક કારમાં આવેલા આતંકવાદીઓએ તેમની પર અચાનક અંધાધૂંધ ગોળીબાર કર્યો. ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સાથી જવાનો અને સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક GMC અનંતનાગ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહોતા અને સારવાર દરમિયાન તેમને શહીદ જાહેર કરવામાં આવ્યા હતા. 35 વર્ષીય આશિક હુસૈન કુરેશી જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના બીરુ વિસ્તારના રહેવાસી હતા અને IR 3rd બટાલિયનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમના શહીદ થવાથી પોલીસ વિભાગ અને તેમના વતન વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓના વધારાના દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર લાલ ચોક અને આસપાસના વિસ્તારોને સીલ કરીને આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરોને ઝડપી લેવા માટે સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને તમામ પ્રવેશ-નિકાસ માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.




