વાદળો છવાયા, પવન પણ ફૂંકાયો... છતાં ચોમાસું હજુ દૂર



વાદળો છવાયા, પવન પણ ફૂંકાયો... છતાં ચોમાસું હજુ દૂર



અમદાવાદ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ગરમી વચ્ચે રવિવારે તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે શનિવારના 41.3 ડિગ્રીની સરખામણીએ થોડું ઓછું હતું. તેમ છતાં તાપમાન સામાન્ય કરતાં 0.9 ડિગ્રી વધુ રહ્યું હતું. શહેરનું લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે હતું.
હવામાન વિભાગના આંકડા મુજબ સવારે 8:30 કલાકે હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા હતું, જે સાંજે 5:30 કલાકે ઘટીને 33 ટકા થયું હતું. દિવસ દરમિયાન આકાશમાં આંશિક વાદળછાયું વાતાવરણ અને પવનની હળવી ગતિ જોવા મળી હતી.
રાજ્યમાં ભાવનગર 41.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારબાદ અમદાવાદ 40.6 ડિગ્રી અને વડોદરા નજીકનું વી.વી.નગર 40.1 ડિગ્રી તાપમાન સાથે ટોચના ગરમ શહેરોમાં સામેલ રહ્યા હતા. રાજકોટમાં 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને પવનના કારણે ચોમાસાના આગમનની આશા જાગી હતી. જોકે ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 15 જૂન સુધી ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા ખૂબ ઓછી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાની ઉત્તર સીમા હાલમાં મહારાષ્ટ્રના હરનાઈ અને સોલાપુર વિસ્તાર સુધી જ પહોંચી છે. જેના કારણે આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં ગરમીથી ખાસ રાહત મળવાની શક્યતા ઓછી છે.
IMDના અનુમાન મુજબ સોમવારે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જોકે સપ્તાહના અંતિમ દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ગુજરાતીઓ માટે હાલ થોડા દિવસો વધુ રાહ જોવી પડી શકે છે, જ્યારે ગરમી અને ઉકળાટનો માહોલ યથાવત રહેવાની સંભાવના છે.




