Get News Alerts

Never miss breaking news updates.

આજે ગુજરાતમાં લોકરક્ષક દળની લેખિત પરીક્ષા; 12,733 જગ્યાઓ માટે 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં

ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે આજે મહત્વનો દિવસ છે. લોકરક્ષક દળ (LRD) કોન્સ્ટેબલની 12,733 જગ્યાઓ માટે રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં 2.63 લાખથી વધુ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે બાયોમેટ્રિક અને ફેશિયલ રેકગ્નિશન જેવી આધુનિક વ્યવસ્થા સાથે રાજ્યના 689 કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 14 Jun 2026 11:55 AM IST
આજે ગુજરાતમાં લોકરક્ષક દળની લેખિત પરીક્ષા; 12,733 જગ્યાઓ માટે 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાંઆજે ગુજરાતમાં લોકરક્ષક દળની લેખિત પરીક્ષા; 12,733 જગ્યાઓ માટે 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં

ફાઈલ ફોટો

અમદાવાદ: ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયાના મહત્વના તબક્કા તરીકે આજે લોકરક્ષક દળ (LRD) કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યભરમાં કુલ 12,733 જગ્યાઓ માટે 2,63,435 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાને લઈને પોલીસ ભરતી બોર્ડ અને જિલ્લા તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે.

રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત વિવિધ જિલ્લાઓમાં કુલ 689 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચતા પરીક્ષા કેન્દ્રો આસપાસ વહેલી સવારથી જ ચહલપહલ જોવા મળી હતી.

પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય તે માટે આ વખતે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપતા પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફેશિયલ રેકગ્નિશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ઓળખની ચકાસણી બાદ જ ઉમેદવારોને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ગુજરાત પોલીસમાં PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર)ની 858 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી. જ્યારે લોકરક્ષક દળ ભરતી માટે જાન્યુઆરી 2026 સુધી રાજ્યના વિવિધ કેન્દ્રો પર ઉમેદવારોની શારીરિક કસોટી (ફિઝિકલ ટેસ્ટ) પૂર્ણ કરવામાં આવી હતી.

હવે લેખિત પરીક્ષા બાદ ભરતી પ્રક્રિયાનો આગળનો તબક્કો શરૂ થશે. લાખો યુવાનો માટે આ પરીક્ષા પોલીસ વિભાગમાં કારકિર્દી બનાવવાનું મહત્વપૂર્ણ પગથિયું માનવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.