પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: વર્ગ-3ની ભરતીમાં 20% અનામત



ફાઈલ ફોટો
પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: વર્ગ-3ની ભરતીમાં 20% અનામત



ફાઈલ ફોટો
ગાંધીનગર: દેશસેવા બાદ નાગરિક જીવનમાં પ્રવેશતા પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ભરતી પ્રક્રિયામાં તેમને વયમર્યાદા અને શારીરિક ક્ષમતા કસોટી અંગે પણ વિશેષ રાહતો આપવામાં આવશે.
સરકારના નિર્ણય મુજબ, પૂર્વ અગ્નિવીરોને વિવિધ ભરતી માટે લેવામાં આવતી શારીરિક ક્ષમતા કસોટી (Physical Test)માંથી મુક્તિ આપવામાં આવશે. ઉપરાંત ભરતી માટે નિર્ધારિત મહત્તમ વયમર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ પણ આપવામાં આવશે.
અગ્નિવીર યોજનાની પ્રથમ બેચના સભ્યોને વિશેષ લાભ આપતાં રાજ્ય સરકારે તેમની માટે ઉપલી વયમર્યાદામાં 5 વર્ષ સુધીની છૂટ આપવાના દિશાનિર્દેશો પણ જાહેર કર્યા છે.
આ નિર્ણયનો સીધો લાભ હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપી પ્લાટૂન કમાન્ડર અને પોલીસ કોન્સ્ટેબલ જેવી ભરતીમાં મળશે. ઉપરાંત જેલ વિભાગ હેઠળની જેલર ગ્રુપ-2, જેલ સિપાઈ તેમજ વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વનરક્ષક વર્ગ-3 અને વનપાલ વર્ગ-3ની ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને અનામત અને અન્ય રાહતોનો લાભ મળશે.
રાજ્ય સરકારના આ નિર્ણયને પૂર્વ અગ્નિવીરો માટે રોજગારની નવી તકો ઊભી કરનાર અને તેમની સેવાને માન આપનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.




