ગૂગલ જેમિનીનું નવું 'ડિજિટલ અવતાર' ફીચર લોન્ચ: કેમેરા સામે આવ્યા વિના બનાવો તમારા AI વીડિયો



ગૂગલ જેમિનીનું નવું 'ડિજિટલ અવતાર' ફીચર લોન્ચ: કેમેરા સામે આવ્યા વિના બનાવો તમારા AI વીડિયો



Gemini: ગૂગલે પોતાના AI પ્લેટફોર્મ જેમિની (Gemini)માં એક નવું અને અદ્યતન'ડિજિટલ અવતાર' ફીચર રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાનો AI આધારિત ડિજિટલ ક્લોન બનાવી શકશે, જે તેમના બદલે વીડિયો બનાવી અને પ્રસ્તુત કરી શકશે. આ નવી સુવિધા ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર્સ, વ્લોગર્સ અને ડિજિટલ માર્કેટર્સ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ગૂગલના Gemini Omni Model પર આધારિત આ ફીચર દ્વારા યુઝર્સને વારંવાર કેમેરા સામે આવવાની જરૂર નહીં પડે. એકવાર ડિજિટલ અવતાર તૈયાર થઈ જાય પછી તે વિવિધ પ્રકારના વીડિયો માટે મુખ્ય પાત્ર તરીકે કામ કરી શકશે.
ડિજિટલ અવતાર કેવી રીતે બનાવશો?
ડિજિટલ અવતાર બનાવવા માટે યુઝર્સે gemini.google.com પર જઈને '+' (પ્લસ) બટન પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ 'More Uploads' વિકલ્પમાં જઈ 'Avatar' પસંદ કરવો પડશે.
ત્યારબાદ સ્ક્રીન પર દેખાતા QR કોડને મોબાઇલથી સ્કેન કરવો પડશે. મોબાઇલમાં ખુલતા પેજ પર યુઝરને કેટલાક નંબરો બોલવા અને ચહેરાને વિવિધ એંગલથી બતાવવા માટે કહેવામાં આવશે. આ માહિતીના આધારે Gemini યુઝરનો ડિજિટલ મોડલ તૈયાર કરશે.
વીડિયો બનાવવામાં કેવી રીતે ઉપયોગી?
અવતાર તૈયાર થયા પછી યુઝર Geminiના પ્રોમ્પ્ટ બોક્સમાં '@' સાથે પોતાનું યુઝરનેમ લખીને વીડિયો જનરેટ કરી શકે છે. ઉદાહરણ તરીકે, '@aryan walking on the streets of London' જેવા પ્રોમ્પ્ટ દ્વારા AI વીડિયો તૈયાર કરી શકાય છે.
કોને મળશે આ સુવિધા?
આ ફીચર માત્ર Google AI Pro અને AI Ultra સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે. ભારતમાં તેની માસિક ફી અંદાજે ₹1,950 છે. જોકે, Reliance Jio પોતાના ગ્રાહકોને 18 મહિના સુધી અને Airtel પસંદગીના પોસ્ટપેઇડ યુઝર્સને 6 મહિના સુધી મફત Gemini AI Pro સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે.
ટેક નિષ્ણાતોના મતે, ભવિષ્યમાં વીડિયો કોલ્સ અને AI વ્લોગિંગમાં ડિજિટલ અવતારનો વ્યાપક ઉપયોગ જોવા મળી શકે છે.



