તેજસ એક્સપ્રેસની બિરયાનીમાં મળી માખી! મુસાફરે સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો મુદ્દો, IRCTCએ કેટરરને ફટકાર્યો 1 લાખનો દંડ



તેજસ એક્સપ્રેસની બિરયાનીમાં મળી માખી! મુસાફરે સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો મુદ્દો, IRCTCએ કેટરરને ફટકાર્યો 1 લાખનો દંડ



અમદાવાદ: અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને પીરસવામાં આવેલી વેજ બિરયાનીમાં માખી મળી આવતાં રેલવે કેટરિંગ સેવાને લઈને સવાલો ઊભા થયા છે. ઘટના બાદ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ સંબંધિત કેટરિંગ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરતાં 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
માહિતી મુજબ, ટ્રેન નંબર 82902માં મુસાફરી કરી રહેલા સુમિત મહેરોત્રાએ તેમને પીરસવામાં આવેલી બિરયાનીમાં માખી મળી આવ્યાનો દાવો કર્યો હતો. તેમણે આ અંગેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કરીને IRCTCની સેવાની ટીકા કરી હતી. પોતાના પોસ્ટમાં તેમણે કટાક્ષ કરતાં લખ્યું હતું કે, "માખી અને જીવાતો સાથે ગુણવત્તાયુક્ત ભોજન આપવા બદલ આભાર." સાથે જ તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ ટેગ કર્યા હતા.
ઘટના બાદ ટ્રેન કેપ્ટન અને ઓનબોર્ડ કેટરિંગ મેનેજરે મુસાફર પાસે માફી માંગી હતી અને તેમને અન્ય ભોજન આપવાની ઓફર પણ કરી હતી. જોકે, મુસાફરે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
IRCTC દ્વારા કરવામાં આવેલી તપાસમાં પ્રાથમિક રીતે કેટરિંગ સેવામાં બેદરકારી સામે આવતાં કેટરરને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ તેનું વેન્ડિંગ લાઇસન્સ કેમ રદ ન કરવું તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે.
IRCTCએ કેટરરને તાજી કાચી સામગ્રીનો ઉપયોગ કરવા, તેમજ ચોખા, દાળ, લોટ અને મસાલા સહિતના ખાદ્યપદાર્થોના સંગ્રહ માટે વપરાતા કન્ટેનરોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે વધુ કડક ચકાસણી કરવાની પણ સૂચના આપી છે.
આ ઘટનાએ ફરી એકવાર ટ્રેનોમાં પીરસાતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ચર્ચા જગાવી છે




