56 વર્ષ સુધીના ઉમેદવારો માટે તક: EPFOમાં ઓડિટર સહિત 74 જગ્યાઓ પર ભરતી, 14 ઓગસ્ટ સુધી અરજી



56 વર્ષ સુધીના ઉમેદવારો માટે તક: EPFOમાં ઓડિટર સહિત 74 જગ્યાઓ પર ભરતી, 14 ઓગસ્ટ સુધી અરજી



સરકારી નોકરીની તૈયારી કરતા અને સંબંધિત ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારો માટે મહત્વની તક સામે આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા વિવિધ કચેરીઓમાં ડેપ્યુટેશનના આધારે કુલ 74 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો EPFOની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલી સૂચના મુજબ અરજી કરી શકે છે.
EPFO દ્વારા જાહેર કરાયેલી 74 ખાલી જગ્યાઓમાં ડેપ્યુટી ડિરેક્ટર (ઓડિટ)ની 7, આસિસ્ટન્ટ ડિરેક્ટર (ઓડિટ)ની 9, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (AAO)ની 18 અને ઓડિટરની 40 જગ્યાઓનો સમાવેશ થાય છે.
આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 16 જૂનથી શરૂ થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ સંબંધિત પોસ્ટની નોટિફિકેશનમાં આપવામાં આવેલી અરજી લિંક મારફતે સાંજે 5 વાગ્યા સુધી અરજી પૂર્ણ કરવાની રહેશે.
ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા બાદ તેની હાર્ડ કોપી જરૂરી દસ્તાવેજો સાથે EPFO મુખ્યાલય, નવી દિલ્હી ખાતે ભરતી વિભાગના સંબંધિત સરનામે પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે.
ડેપ્યુટી ડિરેક્ટર (ઓડિટ) માટે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન, SAS પરીક્ષા પાસ કરેલી હોવા ઉપરાંત ઓડિટ, એકાઉન્ટ્સ અને નાણાકીય બાબતોનો અનુભવ જરૂરી છે. B.Com ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. અન્ય પદો માટે પણ સંબંધિત ક્ષેત્રમાં અનુભવ અને સમકક્ષ પદ પર નિયમિત સેવા જરૂરી છે.
ઉમેદવારોની મહત્તમ ઉંમર 56 વર્ષ નક્કી કરવામાં આવી છે. પસંદગી શોર્ટલિસ્ટિંગ, ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણીના આધારે થશે. પસંદગી પામેલા ઉમેદવારોને પદ અનુસાર 7મા CPC હેઠળ લેવલ-6થી લેવલ-11 સુધીનો પગાર મળશે.






