ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું? PM મોદીને મોકલ્યો પત્ર, કહ્યું- ‘જવાબદારીથી મોઢું નથી ફેરવ્યું’


ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું? PM મોદીને મોકલ્યો પત્ર, કહ્યું- ‘જવાબદારીથી મોઢું નથી ફેરવ્યું’


NEET-UG પરીક્ષામાં ગેરરીતિના આરોપો અને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ સામે આવ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું મોકલ્યું હોવાનું જણાવાયું છે. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર પત્ર શેર કરીને રાજીનામું આપવાના કારણો અંગે માહિતી આપી છે.
પત્રમાં તેમણે જણાવ્યું કે છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રના સુધારા માટે સમર્પિત રહ્યા છે. તેમના મતે, મજબૂત, સમાવેશી અને દૂરંદેશી શિક્ષણ વ્યવસ્થા કોઈપણ રાષ્ટ્રના વિકાસનો પાયો છે.
NEET-UG પરીક્ષામાં અનિયમિતતાઓ અંગે તેમણે જણાવ્યું કે 3 મે, 2026ના રોજ યોજાયેલી પરીક્ષા બાદ ફરિયાદો સામે આવતાં સરકારે તાત્કાલિક પગલાં લીધા હતા. સમગ્ર મામલાની તપાસ CBIને સોંપવામાં આવી હતી. સાથે જ પરીક્ષા રદ કરીને ફરી પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે આગામી વર્ષથી NEET પરીક્ષા સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત (CBT) મોડમાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને કોઈપણ વિવાદથી ઉપર ગણાવતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે તેમણે ક્યારેય પોતાની જવાબદારીથી મોઢું ફેરવ્યું નથી. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ વિશ્વસનીય સત્તાવાર સ્ત્રોતોથી કરવી જરૂરી છે.




