મલેશિયા ટાઈક્વોન્ડો ચેમ્પિયનશિપમાં 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતનાર મિસબાબાનુનું સન્માન


મલેશિયા ટાઈક્વોન્ડો ચેમ્પિયનશિપમાં 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતનાર મિસબાબાનુનું સન્માન


ગુજરાતના દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની દીકરી કુમારી મિસબાબાનુ કુતુબશાહ દીવાને મલેશિયામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટાઈક્વોન્ડો ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને દેશ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ મિસબાબાનુએ બે રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
આ સિદ્ધિ બદલ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મિસબાબાનુ કુતુબશાહ દીવાનની મુલાકાત કરી હતી. તેમણે મિસબાબાનુને પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ અભૂતપૂર્વ સફળતા મેળવવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
જગદીશ વિશ્વકર્માએ મિસબાબાનુને ભવિષ્યમાં પણ સતત સફળતા પ્રાપ્ત કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહિત કરી હતી.
મિસબાબાનુની આ સિદ્ધિથી દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. પ્રથમ જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ત્રણ મેડલ મેળવીને તેમણે પોતાની પ્રતિભા અને મહેનતનો પરિચય આપ્યો છે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, દાહોદ જિલ્લા ભાજપ અધ્યક્ષ સ્નેહલભાઈ ધરીયા સહિત ભાજપના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ પણ મિસબાબાનુને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.




