વસ્ત્રાલ બ્લાસ્ટ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો મેગા એક્શન, ચાંગોદરમાં ₹39.57 કરોડના ગેરકાયદે ફટાકડા જપ્ત


વસ્ત્રાલ બ્લાસ્ટ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો મેગા એક્શન, ચાંગોદરમાં ₹39.57 કરોડના ગેરકાયદે ફટાકડા જપ્ત


અમદાવાદ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગેરકાયદે ફટાકડા અને વિસ્ફોટકોનો સંગ્રહ કરનારાઓ સામે સઘન કાર્યવાહી શરૂ કરી છે. ચાંગોદર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડાસર ગામથી અમથાપુરા જવાના રસ્તા પર આવેલા મટોડા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન 'અંબિકા ટ્રેડ લિંક' નામના બે ગોડાઉનોમાંથી કુલ 65,954 કાર્ટનમાં ભરેલા અંદાજે ₹39.57 કરોડના ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે ગોડાઉનમાં સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ફટાકડાના જથ્થાને પતરાના શેડ પાછળ છુપાવવામાં આવ્યો હતો અને આગ નિવારણ માટે જરૂરી વોટર સ્પ્રિન્કલર સિસ્ટમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી.
આ કેસમાં પોલીસે ગોડાઉનના માલિક અમિતકુમાર મોદી અને મેનેજર કિશન પટેલની ધરપકડ કરી છે. બંને સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા વિસ્ફોટક અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 18 જુલાઈએ વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 10 લોકોના મોત થયા હતા. આ ઘટનાના મુખ્ય આરોપીઓ મેહુલ ડોડિયા અને સદિક સૈયદના પોલીસ રિમાન્ડ 27 જુલાઈ સુધી મંજૂર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદે વિસ્ફોટકો અને ફટાકડાના સંગ્રહ સામે પોલીસનું સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.




