Get News Alerts

Never miss breaking news updates.

કેનેડા રિફંડ સ્કેમનો પર્દાફાશ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2.27 કરોડની ઠગાઈ કેસમાં દંપતીને ઝડપ્યું, કરોડોની સંપત્તિ જપ્ત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ કરોડોની ઠગાઈના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કેનેડામાં થયેલી છેતરપિંડીના નાણા પરત અપાવવાના બહાને મહેસાણાના એક વ્યક્તિ પાસેથી 2.27 કરોડથી વધુની રકમ પડાવવાના કેસમાં મુખ્ય આરોપી અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કરોડોની સંપત્તિ, વાહનો, સોનાં-ચાંદીના દાગીના અને અનેક વીમા પોલિસીઓ સહિતનું મોટું નેટવર્ક સામે આવ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 13 Jun 2026 04:53 PM IST
કેનેડા રિફંડ સ્કેમનો પર્દાફાશ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2.27 કરોડની ઠગાઈ કેસમાં દંપતીને ઝડપ્યું, કરોડોની સંપત્તિ જપ્તકેનેડા રિફંડ સ્કેમનો પર્દાફાશ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2.27 કરોડની ઠગાઈ કેસમાં દંપતીને ઝડપ્યું, કરોડોની સંપત્તિ જપ્ત

અમદાવાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ કરોડોની છેતરપિંડીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કેનેડામાં થયેલી છેતરપિંડીના નાણા પરત અપાવવાના બહાને મહેસાણાના એક વ્યક્તિ પાસેથી 2 કરોડ 27 લાખથી વધુની રકમ પડાવી લેવાના કેસમાં મુખ્ય આરોપી અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની ધરપકડ કરવામાં આવી છે.

ફરિયાદી હિરેનકુમાર ચૌધરીને વર્ષ 2014માં કેનેડામાં થયેલી છેતરપિંડીના નાણા પરત અપાવવાનો વિશ્વાસ અપાવી અનિલ વિભાણીએ પોતાને લાયઝનિંગ એજન્ટ તરીકે રજૂ કર્યો હતો. સાથે જ વિવિધ વિભાગોમાં ઊંચી ઓળખાણ હોવાનું કહી આરોપીએ વિશ્વાસ જીત્યો હતો. આ બહાને આરોપીઓએ ફરિયાદી પાસેથી રોકડ, બેંક ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ કાર્ડ મારફતે કુલ 2 કરોડ 27 લાખ 25 હજાર રૂપિયા એડવાન્સ કમિશન તરીકે વસૂલ્યા હતા.

પરંતુ લાંબા સમય સુધી નાણા પરત અપાવ્યા વગર આરોપીઓએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, ફરિયાદીની સહીવાળા સાત ચેક ચોરી કરી તેનો પણ દુરૂપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે.

આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 4 જૂનના રોજ અનિલ વિભાણી અને તેની પત્નીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી ત્રણ મોબાઈલ ફોન અને મર્સિડીઝ સહિત પાંચ કાર જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત યસ બેંકના લોકરમાંથી 4.45 કિલો સોનું, 857 ગ્રામ ચાંદી, મોંઘી ઘડિયાળો સહિત 6.31 કરોડથી વધુની સંપત્તિ મળી આવી છે. સંબંધિત લોકર હાલ ફ્રીઝ કરવામાં આવ્યું છે.

સુરત અને ધાંગધ્રાની બેંકોમાં રહેલા અન્ય લોકરોમાંથી પણ કરોડો રૂપિયાનું સોનું-ચાંદી મળ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સાથે જ અનેક એલઆઈસી અને અન્ય વીમા પોલિસીઓ તેમજ મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

તપાસમાં એ પણ ખુલ્યું છે કે અનિલ વિભાણી સામે અગાઉથી જ સુરત અને અમદાવાદમાં છેતરપિંડી, ધમકી અને હત્યા સહિતના કુલ 10 ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ભરૂચ, સરખેજ, સીઆઈડી ક્રાઈમ અને સોલા પોલીસ સ્ટેશનમાં પણ અન્ય મોટા છેતરપિંડી કેસોની તપાસ ચાલી રહી છે.

આ સમગ્ર મામલે ACP મનોજ ચાવડાએ જણાવ્યું હતું કે, “આ કેસમાં આરોપીઓએ આયોજનબદ્ધ રીતે વિશ્વાસનો લાભ લઈ કરોડોની ઠગાઈ કરી હતી. હાલ તમામ સંપત્તિ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.”

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.