મુઝફ્ફરપુરમાં ગેસ પાઇપલાઇન લીક થતા હાહાકાર, 7 વિદ્યાર્થિનીઓ બેભાન; 5ની હાલત ગંભીર

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગેસ પાઇપલાઇન લીક થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. રહુઆ ગામ નજીક નાળાના કામ દરમિયાન JCBથી પાઇપલાઇન તૂટી જતા ગેસનું લીકેજ શરૂ થયું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી 7 સ્કૂલની વિદ્યાર્થિનીઓ ગેસની ઝપેટમાં આવી બેભાન થઈ ગઈ હતી, જેમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
Rahul Desai
Rahul Desai
મુઝફ્ફરપુરમાં ગેસ પાઇપલાઇન લીક થતા હાહાકાર, 7 વિદ્યાર્થિનીઓ બેભાન; 5ની હાલત ગંભીરમુઝફ્ફરપુરમાં ગેસ પાઇપલાઇન લીક થતા હાહાકાર, 7 વિદ્યાર્થિનીઓ બેભાન; 5ની હાલત ગંભીર

નાળાના કામ દરમિયાન તૂટી ગેસ પાઇપલાઇન મળતી માહિતી મુજબ, મુઝફ્ફરપુર-પૂસા માર્ગ પર આવેલા રહુઆ ગામ નજીક બિહાર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (BUDCO) દ્વારા નાળાના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. ખોદકામ દરમિયાન JCB મશીનથી જમીનની નીચે પસાર થતી PNG ગેસ પાઇપલાઇનને નુકસાન પહોંચતાં ગેસનું જોરદાર લીકેજ શરૂ થયું હતું.

સ્કૂલથી ઘરે જઈ રહેલી વિદ્યાર્થિનીઓ આવી ગેસની ઝપેટમાં

ગેસ લીકેજ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી પ્લસ-2 રહુઆ હાઇસ્કૂલની 7 વિદ્યાર્થિનીઓ અચાનક ગેસની ઝપેટમાં આવી ગઈ હતી. થોડા જ સમયમાં તેમની તબિયત લથડવા લાગી અને એક પછી એક તમામ વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ હતી.

સ્થાનિકોએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી

ઘટના બાદ સ્થાનિક લોકો તરત જ તમામ વિદ્યાર્થિનીઓને મુસહરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) લઈ ગયા, જ્યાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પાંચ વિદ્યાર્થિનીઓની હાલત ગંભીર

ડોક્ટરોના જણાવ્યા અનુસાર બે વિદ્યાર્થિનીઓની હાલતમાં સુધારો જોવા મળ્યો છે. જ્યારે નાહિદા ખાતૂન, અમૃતા કુમારી, રાખી કુમારી, દિવ્યા કુમારી અને વિશાખા કુમારીની હાલત ગંભીર હોવાથી તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.

ઇન્ડિયન ઓઇલની ટીમે લીકેજ પર કાબૂ મેળવ્યો

ઘટનાની જાણ થતાં જ પોલીસ, વહીવટી તંત્ર અને ઇન્ડિયન ઓઇલના ટેકનિકલ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ગેસ પાઇપલાઇનમાંથી થઈ રહેલા લીકેજને બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.