MRIનો યુગ પૂરો થશે? AI આધારિત "Midjourney Scanner" કરશે એક મિનિટમાં ફુલ બોડી સ્કેન



MRIનો યુગ પૂરો થશે? AI આધારિત "Midjourney Scanner" કરશે એક મિનિટમાં ફુલ બોડી સ્કેન



Midjourney Scanner: ટેક્નોલોજીની દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સતત નવા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહ્યું છે. હવે AI ઈમેજ જનરેશન માટે જાણીતી કંપની Midjourneyએ એક એવું સ્કેનર રજૂ કર્યું છે, જે ભવિષ્યમાં MRI સ્કેનનો વિકલ્પ બની શકે છે. કંપનીએ ‘Midjourney Scanner’ નામનું અદ્યતન ડિવાઇસ વિકસાવ્યું છે, જે માત્ર એક મિનિટમાં આખા શરીરનું સ્કેન કરી શકે છે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ સ્કેનર અલ્ટ્રાસોનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. સ્કેનિંગ દરમિયાન વ્યક્તિએ લગભગ એક મિનિટ સુધી પાણીમાં ઊભા રહેવું પડે છે. ડિવાઇસમાં લાગેલા સેન્સર્સ શરીરના વિવિધ ભાગોમાં અલગ-અલગ એંગલથી અલ્ટ્રાસોનિક તરંગો મોકલે છે. ત્યારબાદ AIની મદદથી શરીરના અંદરના ભાગોનું 3D મેપ તૈયાર કરવામાં આવે છે, જેમાં મસલ્સ, ચરબી, હાડકાં અને આંતરિક અંગોની વિગતવાર માહિતી મળી શકે છે.
Midjourneyના CEO ડેવિડ હોલ્ઝે આ પ્રોજેક્ટને “અનોખો અને ભવિષ્ય માટે આશાસ્પદ” ગણાવ્યો છે. તેમનો દાવો છે કે કેટલાક કેસોમાં આ સ્કેનર MRI જેટલી જ ગુણવત્તાવાળી ઈમેજ પ્રદાન કરી શકે છે.
આ ડિવાઇસની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ પ્રકારનું રેડિયેશન કે શક્તિશાળી મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતું નથી. પરિણામે, તે પરંપરાગત MRIની સરખામણીએ વધુ સુરક્ષિત માનવામાં આવે છે. જ્યાં MRI સ્કેનમાં સામાન્ય રીતે 30 થી 90 મિનિટનો સમય લાગે છે, ત્યાં Midjourney Scanner એ જ પ્રક્રિયા માત્ર એક મિનિટમાં પૂર્ણ કરી શકે છે.
હાલમાં આ ટેક્નોલોજી પ્રારંભિક તબક્કામાં છે અને તેને ક્લિનિકલ મંજૂરી મળવાની બાકી છે. કંપની આગામી વર્ષે સાન ફ્રાન્સિસ્કોમાં ‘Midjourney Spa’ શરૂ કરવાની યોજના ધરાવે છે, જ્યાં આ સ્કેનરનો ઉપયોગ કરવામાં આવશે. આગામી વર્ષોમાં હજારો સ્કેનર ઉપલબ્ધ કરાવવાનો કંપનીનો લક્ષ્યાંક છે.




