Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં RE-NEET પરીક્ષા દરમિયાન હિજાબ-કંઠી મુદ્દે વિવાદ, વાલીઓએ ભેદભાવના આક્ષેપો સાથે કર્યો હોબાળો

દેશભરમાં આજે યોજાયેલી RE-NEET (UG) પરીક્ષા દરમિયાન અમદાવાદના એક પરીક્ષા કેન્દ્ર પર ધાર્મિક પ્રતિકોને લઈને વિવાદ સર્જાયો છે. એલ.જે. ટ્રીબ્રવાલ સ્કૂલ ખાતે એક વિદ્યાર્થીના ગળામાંથી ધાર્મિક કંઠી ઉતરાવાતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવતા ભેદભાવના આક્ષેપો સાથે પરીક્ષા કેન્દ્ર બહાર હોબાળો મચ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે યોજાયેલી પરીક્ષામાં આ ઘટનાએ નવી ચર્ચા જગાવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 21 Jun 2026 03:26 PM IST
અમદાવાદમાં RE-NEET પરીક્ષા દરમિયાન હિજાબ-કંઠી મુદ્દે વિવાદ, વાલીઓએ ભેદભાવના આક્ષેપો સાથે કર્યો હોબાળોઅમદાવાદમાં RE-NEET પરીક્ષા દરમિયાન હિજાબ-કંઠી મુદ્દે વિવાદ, વાલીઓએ ભેદભાવના આક્ષેપો સાથે કર્યો હોબાળો

ફાઈલ ફોટો

અમદાવાદ: દેશભરમાં આજે RE-NEET (UG) પરીક્ષાનું આયોજન કડક સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે અમદાવાદના 23 કેન્દ્રો પર 10 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષામાં સામેલ થયા છે. પેપર લીક બાદ ફરી યોજાયેલી પરીક્ષા હોવાથી તંત્ર પણ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સંપૂર્ણ સજ્જ જોવા મળ્યું.

પ્રથમ વખત વિદ્યાર્થીઓને મળ્યો વધારાનો સમય

આ વખતે NEET પરીક્ષામાં વિદ્યાર્થીઓને પ્રથમ વખત 15 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. જેના કારણે હવે ઉમેદવારોને પ્રશ્નપત્ર ઉકેલવા માટે કુલ 3 કલાક 15 મિનિટનો સમય મળશે. પરીક્ષાર્થીઓ માટે એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માન્ય ઓળખપત્ર ફરજિયાત રાખવામાં આવ્યા હતા.

ડ્રોન, CCTV અને બાયોમેટ્રિક ચકાસણીથી સુરક્ષા વધુ કડક

NTAની માર્ગદર્શિકા મુજબ તમામ પરીક્ષા કેન્દ્રો પર બાયોમેટ્રિક વેરિફિકેશન, CCTV સર્વેલન્સ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રશ્નપત્રો GPS ટ્રેકિંગવાળા વાહનો મારફતે કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ઉપરાંત, પરીક્ષા કેન્દ્રો અને આસપાસના વિસ્તારોમાં ડ્રોન દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે.

પરીક્ષા કેન્દ્રની બહાર ઘડિયાળોની ખાસ વ્યવસ્થા

વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ઘડિયાળ લઈ જઈ શકતા ન હોવાથી અમદાવાદના વિવિધ કેન્દ્રોમાં અંદર અને બહાર મોટી ઘડિયાળોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી ઉમેદવારો સરળતાથી સમયનું સંચાલન કરી શકે.

એલ.જે. ટ્રીબ્રવાલ સ્કૂલ ખાતે ધાર્મિક પ્રતિકોને લઈને વિવાદ

અમદાવાદની એલ.જે. ટ્રીબ્રવાલ સ્કૂલ ખાતે આવેલા પરીક્ષા કેન્દ્ર પર એક વિદ્યાર્થીના ગળામાં પહેરેલી ધાર્મિક કંઠી કાઢવા કહેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. વિદ્યાર્થીઓની સુરક્ષા તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.

હિજાબ સાથે પ્રવેશ મળતા વાલીઓએ ઉઠાવ્યા પ્રશ્નો

ઘટના બાદ કેટલાક વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે ગળામાં ધાર્મિક કંઠી પહેરનારા વિદ્યાર્થીઓને રોકવામાં આવ્યા હતા. આ મુદ્દે વાલીઓએ ભેદભાવનો આક્ષેપ કરતાં પરીક્ષા કેન્દ્ર બહાર હોબાળો મચાવ્યો હતો.

પરીક્ષા કેન્દ્ર બહાર થોડા સમય માટે તંગદિલીનો માહોલ

વાલીઓના વિરોધને કારણે કેન્દ્ર બહાર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જોકે, તંત્ર અને સુરક્ષા કર્મચારીઓએ વાલીઓને સમજાવવાનો પ્રયાસ કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ પરીક્ષાની પ્રક્રિયા નિયમિત રીતે ચાલુ રાખવામાં આવી હતી.

પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં

RE-NEET પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પરીક્ષા કેન્દ્રથી 100 મીટર સુધીનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો છે. ઉપરાંત એક કિલોમીટરની ત્રિજ્યામાં કોપી સેન્ટર અને કેટલીક દુકાનો પર પ્રતિબંધ મુકાયો છે.

ચારથી વધુ લોકોના એકત્ર થવા અને વાહન પાર્કિંગ પર પ્રતિબંધ

જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ચાર કે તેથી વધુ લોકો એકત્ર થઈ શકશે નહીં. લાઉડસ્પીકર વગાડવા, અનધિકૃત રીતે વાહનો પાર્ક કરવા તેમજ મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઘટનાએ ધાર્મિક પ્રતિકો અને પરીક્ષા નિયમોને લઈને નવી ચર્ચા જગાવી

અમદાવાદના આ પરીક્ષા કેન્દ્ર પર સર્જાયેલા વિવાદ બાદ ધાર્મિક પ્રતિકો, ડ્રેસ કોડ અને પરીક્ષા નિયમોના સમાન અમલ અંગે ચર્ચા શરૂ થઈ છે. જોકે, સત્તાવાર રીતે તંત્ર તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.