23 વર્ષથી ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરી રહ્યા છે સુનિલ સોની, આ વર્ષે રાજસ્થાની ગોટા-પટ્ટી થીમ સાથે મોતી જડિત મુગટ બનશે આકર્ષણ



23 વર્ષથી ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરી રહ્યા છે સુનિલ સોની, આ વર્ષે રાજસ્થાની ગોટા-પટ્ટી થીમ સાથે મોતી જડિત મુગટ બનશે આકર્ષણ



અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના ભવ્ય વાઘા તૈયાર કરવાની કામગીરી પૂર્ણતાના આરે છે. છેલ્લા 23 વર્ષથી આ પવિત્ર સેવામાં જોડાયેલા સોની સુનિલભાઈ આ વર્ષે રાજસ્થાની ગોટા-પટ્ટી થીમ, મોતી જડિત મુગટ અને પરંપરાગત શણગાર સાથે ભગવાનને દિવ્ય સ્વરૂપમાં શણગારશે. તેમના માટે આ સેવા કોઈપણ સેલિબ્રિટીના કપડા તૈયાર કરવા કરતાં અનેકગણી ગૌરવ અને ભક્તિનો અનુભવ કરાવનારી છે.
વાઘાની તૈયારીઓ અખાત્રીજથી શરૂ થાય છે
ભગવાન જગન્નાથજીના વાઘા બનાવવાની પ્રક્રિયાની શરૂઆત દર વર્ષે અખાત્રીજના શુભ મુહૂર્તથી કરવામાં આવે છે. પરંપરા મુજબ મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ ડિઝાઇન નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ વાઘા તૈયાર કરવાની કામગીરી શરૂ થાય છે.
દેશભરમાંથી મંગાવાય છે ખાસ કાપડ
વાઘા તૈયાર કરવા માટે બનારસી સિલ્ક, કલકત્તી સિલ્ક સહિતના ઉચ્ચ ગુણવત્તાવાળા કાપડ દેશના વિવિધ રાજ્યોમાંથી ખાસ મંગાવવામાં આવે છે. કાપડની પસંદગીથી લઈને દરેક નાની-મોટી ડિઝાઇનમાં પરંપરા અને ભક્તિનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
દર વર્ષે નવી થીમ, આ વખતે રાજસ્થાની ગોટા-પટ્ટીનો શણગાર
ભગવાનના વાઘા દર વર્ષે અલગ થીમ પર તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે રાજસ્થાની ગોટા-પટ્ટી વર્કને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, જે વાઘાને અનોખી ભવ્યતા આપશે.
મોતી જડિત મુગટ અને વિશેષ પાઘ બનશે આકર્ષણ
આ વર્ષે ભગવાન માટે હેન્ડવર્કથી તૈયાર કરાયેલ મોતી જડિત મુગટ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે. તેની સાથે છ ચોગા અને સાત ચોગાવાળી પાઘ પણ તૈયાર કરવામાં આવી છે, જે ભગવાનના શણગારને વધુ દિવ્ય બનાવશે.
ગુલાબી વાઘામાં ભગવાન આપશે દર્શન
આ વર્ષની રથયાત્રામાં ભગવાન જગન્નાથજી ગુલાબી રંગના વાઘા ધારણ કરીને નગરયાત્રા કરશે. ભગવાનના શણગારમાં કૃષ્ણપ્રિય મોરપીછનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે ભક્તોને વિશેષ આકર્ષિત કરશે.
'ભગવાનના વાઘા બનાવવાનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી'
સોની સુનિલભાઈ જણાવે છે કે ભગવાન જગન્નાથજીના વાઘા બનાવવાની સેવા તેમના માટે માત્ર કામ નહીં પરંતુ ભક્તિનું એક પવિત્ર સ્વરૂપ છે. તેઓ કહે છે કે, "કોઈપણ સેલિબ્રિટીના કપડા તૈયાર કરવા કરતાં ભગવાન જગન્નાથજીના વાઘા બનાવવાનો અવસર અનેકગણો આનંદ, ગૌરવ અને આત્મિક સંતોષ આપે છે."




