Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં ઘર ખરીદવું પડશે મોંઘું! 1 જુલાઈથી મકાનોના ભાવમાં 5થી 10% વધારાની તૈયારી

અમદાવાદમાં ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બાંધકામ સામગ્રીના વધતા ભાવ અને પ્રોજેક્ટ ખર્ચમાં થયેલા જંગી વધારાને પગલે શહેરના ડેવલપર્સે 1 જુલાઈથી મકાનોના ભાવમાં 5થી 10 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓ પર લાખો રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડી શકે છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 16 Jun 2026 01:36 PM IST
અમદાવાદમાં ઘર ખરીદવું પડશે મોંઘું! 1 જુલાઈથી મકાનોના ભાવમાં 5થી 10% વધારાની તૈયારીઅમદાવાદમાં ઘર ખરીદવું પડશે મોંઘું! 1 જુલાઈથી મકાનોના ભાવમાં 5થી 10% વધારાની તૈયારી

ફાઈલ ફોટો

પશ્ચિમ એશિયાના તણાવની સીધી અસર રિયલ એસ્ટેટ પર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક-રાજકીય તણાવની અસર હવે ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટર પર પણ જોવા મળી રહી છે. સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ્સ, એલ્યુમિનિયમ સહિતના બાંધકામમાં વપરાતા કાચા માલના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં 25થી 60 ટકા સુધીનો વધારો નોંધાયો છે. તેના કારણે બિલ્ડરોની પ્રોજેક્ટ કોસ્ટમાં સરેરાશ 20થી 25 ટકાનો વધારો થયો છે.

CREDAIની બેઠકમાં લેવાયો ભાવવધારાનો નિર્ણય

અમદાવાદના CREDAI હાઉસ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના 400થી વધુ ડેવલપર્સે ભાગ લીધો હતો. બેઠકમાં વધતા બાંધકામ ખર્ચ અને ઉદ્યોગ સામે ઊભા થયેલા પડકારોની ચર્ચા બાદ 1 જુલાઈથી નવા રહેણાંક પ્રોજેક્ટના ભાવમાં 5થી 10 ટકા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

બિલ્ડરોનું કહેવું: હવે વધુ નુકસાન સહન કરવું શક્ય નથી

CREDAI અમદાવાદના ચેરમેન રાજેશ વસવાણીએ જણાવ્યું હતું કે કાચા માલની સપ્લાય ચેન ખોરવાઈ જવાથી અને ભાવમાં અસાધારણ વધારો થતાં બાંધકામ ઉદ્યોગ પર ભારે દબાણ આવ્યું છે. જ્યારે પ્રમુખ આલાપ પટેલે જણાવ્યું કે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ઉદ્યોગને સતત નુકસાન થઈ રહ્યું છે અને હવે વધેલો ખર્ચ સહન કરવો મુશ્કેલ બની ગયો છે.

નવા પ્રોજેક્ટ લોન્ચમાં 75% સુધીનો ઘટાડો

CREDAI અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈના જણાવ્યા મુજબ માર્ચ 2026 પછી નવા પ્રોજેક્ટના લોન્ચમાં 75 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. કાચા માલની અછત અને વધતા ખર્ચના કારણે અનેક પ્રોજેક્ટ અટકી ગયા છે. હાલમાં શહેરમાં 4થી 6 મહિનાની ઇન્વેન્ટરી ઉપલબ્ધ છે, પરંતુ નવા પ્રોજેક્ટ ઓછા આવતા આગામી સમયમાં પુરવઠાની સમસ્યા ઊભી થઈ શકે છે.

સામાન્ય ઘર ખરીદનાર પર શું પડશે અસર?

આ નિર્ણયની સૌથી મોટી અસર મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓ પર પડશે. હાલમાં અમદાવાદમાં ત્રણ BHK ફ્લેટની સરેરાશ કિંમત 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધી છે. જો 10 ટકા સુધીનો ભાવવધારો અમલમાં આવશે તો 1 કરોડ રૂપિયાના મકાન માટે ખરીદદારે આશરે 10 લાખ રૂપિયા વધુ ચૂકવવા પડશે. પરિણામે ઘણા પરિવારો માટે ઘર ખરીદવાનું સપનું વધુ મોંઘું બની શકે છે.

હોમ લોનની EMI પણ વધી શકે

મકાનના ભાવમાં વધારો થતાં બેંકો પાસેથી લેવાતી હોમ લોનની રકમ પણ વધશે. જેના કારણે માસિક EMIમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને પ્રથમ વખત ઘર ખરીદતા યુવાનો અને મધ્યમ આવક ધરાવતા પરિવારો પર આર્થિક બોજ વધવાની શક્યતા છે.

GSTમાં રાહતની સરકાર સમક્ષ માગ

રિયલ એસ્ટેટ ઉદ્યોગે સરકાર સમક્ષ એફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા બદલવાની માગ પણ કરી છે. હાલમાં 45 લાખ રૂપિયા સુધીના મકાન પર 1 ટકા GST લાગુ પડે છે. ઉદ્યોગે આ મર્યાદા વધારીને 75 લાખ રૂપિયા કરવાની માગણી કરી છે, જેથી મધ્યમ વર્ગના ખરીદદારોને થોડી રાહત મળી શકે.

આગામી મહિનાઓમાં ભાવમાં વધુ વધારો શક્ય

નિષ્ણાતોના મતે જો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ઝડપથી સુધારો નહીં આવે અને કાચા માલના ભાવ યથાવત્ રહેશે તો આગામી 6થી 12 મહિનામાં મકાનોના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. નવા પ્રોજેક્ટની સંખ્યા ઘટતાં બજારમાં પુરવઠો ઓછો થશે, જેનાથી ભાવ પર વધુ દબાણ આવી શકે છે.

ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આ સમય મહત્વનો

રિયલ એસ્ટેટ નિષ્ણાતોનું માનવું છે કે જે લોકો નજીકના સમયમાં ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છે, તેમના માટે આગામી થોડા દિવસો નિર્ણાયક સાબિત થઈ શકે છે. 1 જુલાઈ પહેલાં બુકિંગ કરાવનારાઓને ભાવવધારાની અસરથી બચવાનો લાભ મળી શકે છે, જ્યારે ત્યારબાદ મકાન ખરીદવું વધુ ખર્ચાળ બની શકે છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.