અમદાવાદ-ગાંધીનગર સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું સીએમ ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું



અમદાવાદ-ગાંધીનગર સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું સીએમ ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું



ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહત્ત્વાકાંક્ષી અમદાવાદ-ગાંધીનગર સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ યોજનાનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે પ્રોજેક્ટના વિવિધ તબક્કાની સમીક્ષા કરી અધિકારીઓને ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
અમદાવાદથી ગાંધીનગર સુધી વિસ્તરનારી આ સાબરમતી રિવરફ્રન્ટ યોજના હેઠળ આશરે 37.60 કિલોમીટર વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ મુખ્યમંત્રીને પ્રોજેક્ટની પ્રગતિ અને અત્યાર સુધી પૂર્ણ થયેલા કાર્યો અંગે માહિતી આપી હતી.
મુખ્યમંત્રીને જણાવવામાં આવ્યું હતું કે નર્મદા કેનાલના કરાઈ વિસ્તારથી PDEU, PDEUથી શાહપુર બ્રિજ અને શાહપુર બ્રિજથી ચિલોડા બ્રિજ સુધીના આશરે 17.20 કિલોમીટર વિસ્તારમાં જળસંપત્તિ વિભાગ દ્વારા વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સ્થાનિક લોકોને વધુ સારી જાહેર સુવિધાઓ મળશે તેમજ સમગ્ર વિસ્તારને પ્રવાસન કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવશે.
નિરીક્ષણ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગર વિસ્તાર, ગિફ્ટ સિટી અને આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને આ પ્રોજેક્ટનો સીધો લાભ મળશે. સાથે જ માર્ગ વ્યવસ્થા અને અન્ય આધુનિક સુવિધાઓમાં પણ નોંધપાત્ર વધારો થશે, જેનાથી સમગ્ર વિસ્તારના વિકાસને નવી દિશા મળશે.
પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ ગાંધીનગર નજીક આવેલા લેકાવાડા ખાતે નિર્માણાધીન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના નવા કેમ્પસની પણ મુલાકાત લીધી હતી. આશરે 100 એકર જમીનમાં વિકસાવવામાં આવી રહેલા આ અત્યાધુનિક કેમ્પસના બાંધકામની સમીક્ષા કરી તેમણે અધિકારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ત્રણેય તબક્કાનું કામ વર્ષ 2027ના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. જ્યારે GTUના નવા કેમ્પસનું નિર્માણ આગામી વર્ષના ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે.
આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠોડ તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



