અમદાવાદીઓ માટે ખુશખબર! હવે એક જ દિવસમાં દ્વારકાધીશના દર્શન કરીને ઘરે પરત ફરી શકશો



ફાઈલ ફોટો
અમદાવાદીઓ માટે ખુશખબર! હવે એક જ દિવસમાં દ્વારકાધીશના દર્શન કરીને ઘરે પરત ફરી શકશો



ફાઈલ ફોટો
અમદાવાદ: ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતાં અમદાવાદના શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. રેલવે મંત્રાલયે અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રકમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપી છે, જેના કારણે હવે અમદાવાદથી દ્વારકા જઈને એ જ દિવસે પરત ફરવું વધુ સરળ બનશે.
નવી વ્યવસ્થા મુજબ ટ્રેન હવે અમદાવાદ રેલવે સ્ટેશનના બદલે સાબરમતી જંક્શનથી શરૂ થશે અને ત્યાં જ પૂર્ણ થશે. સાથે જ પશ્ચિમ અમદાવાદના મુસાફરોની સુવિધા માટે અંબલી રોડ રેલવે સ્ટેશનને પણ ટ્રેનના નવા સ્ટોપેજ તરીકે સામેલ કરવામાં આવ્યું છે.
રેલવે બોર્ડના આદેશ મુજબ ટ્રેન નંબર 22925 સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ સવારે 6:15 વાગ્યે સાબરમતી જંક્શનથી ઉપડશે અને અંબલી રોડ, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા થઈને બપોરે 1:20 વાગ્યે ઓખા પહોંચશે.
તે જ રીતે ટ્રેન નંબર 22926 ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ સાંજે 4:45 વાગ્યે ઓખાથી રવાના થશે અને દ્વારકા, જામનગર, રાજકોટ સહિતના સ્ટેશનો પર રોકાણ બાદ રાત્રે 11:15 વાગ્યે સાબરમતી જંક્શન પહોંચશે.
નવી સમયસૂચિ હેઠળ અંબલી રોડ સ્ટેશન પર બંને દિશામાં બે મિનિટનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ઉપરાંત સાણંદ સ્ટેશન પર પણ ટ્રેન રોકાશે, જેના કારણે પશ્ચિમ અમદાવાદ, સાણંદ અને આસપાસના વિસ્તારોના મુસાફરોને સીધો લાભ મળશે.
ટ્રેનના સંચાલનના દિવસોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ અમદાવાદ-ઓખા વંદે ભારત મંગળવારે બંધ રહેતી હતી અને ઓખા-અમદાવાદ સેવા બુધવારે રદ રહેતી હતી. હવે નવી વ્યવસ્થા મુજબ બંને ટ્રેનો માત્ર મંગળવારે જ બંધ રહેશે અને બાકીના છ દિવસ દોડશે.
રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેને એડવાન્સ રિઝર્વેશન સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવા અને મુસાફરોને નવી સમયસૂચિ અંગે પૂરતી માહિતી આપવા સૂચના આપી છે.




