અમદાવાદમાં AMCનું ડિમોલિશન અભિયાન: સૈજપુર બોઘાથી જે.ડી. ત્રણ રસ્તા સુધી માર્ગ પહોળો કરવા કાર્યવાહી



અમદાવાદમાં AMCનું ડિમોલિશન અભિયાન: સૈજપુર બોઘાથી જે.ડી. ત્રણ રસ્તા સુધી માર્ગ પહોળો કરવા કાર્યવાહી



અમદાવાદ અમદાવાદ શહેરમાં માર્ગ વ્યવસ્થા સુધારવા અને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે AMC દ્વારા ઉત્તર ઝોનમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે.
સૈજપુર બોઘા ટાવરથી જે.ડી. ત્રણ રસ્તા સુધીના વિસ્તારમાં રસ્તો પહોળો કરવાની યોજના અંતર્ગત ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. AMC દ્વારા અગાઉ મેપિંગ અને નોટિસની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી, જેના પગલે અસરગ્રસ્ત લોકોએ સ્વયંભૂ રીતે પોતાની દુકાનો અને મકાનો ખાલી કરી દીધા હતા.
સ્થાનિકોએ પોતાનો સામાન હટાવી લીધા બાદ આજે મશીનરી અને મજૂરોની મદદથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન એક તરફનો માર્ગ બંધ રાખીને સુરક્ષિત રીતે બાંધકામોના કટિંગનું કામ હાથ ધરાયું હતું.
માહિતી મુજબ, અંદાજે 40 જેટલી દુકાનોના ભાગનું કટિંગ કરવામાં આવ્યું છે, જેથી માર્ગને વધુ પહોળો બનાવી શકાય.
AMCના જણાવ્યા અનુસાર, રસ્તો પહોળો થતાં આ વિસ્તારમાં વર્ષોથી સર્જાતી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે અને વાહનવ્યવહાર વધુ સરળ બનશે.
ડિમોલિશન દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી.




