યુરોપમાં હીટવેવનો કહેર! 1300થી વધુ મોતનો દાવો, અનેક દેશોમાં રેકોર્ડબ્રેક ગરમી



AI Generated Images
યુરોપમાં હીટવેવનો કહેર! 1300થી વધુ મોતનો દાવો, અનેક દેશોમાં રેકોર્ડબ્રેક ગરમી



AI Generated Images
Europe Heatwave Death Toll: યુરોપ હાલમાં ભીષણ ગરમીની લપેટમાં છે અને હીટવેવના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. ફ્રાન્સની જાહેર આરોગ્ય એજન્સી અનુસાર અત્યાર સુધીમાં 1000થી વધુ વધારાના મોત નોંધાયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1300ને પાર જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 20 જૂનથી શરૂ થયેલી આ હીટવેવ છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ખતરનાક સાબિત થઈ રહી છે.
ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ, ચેક રિપબ્લિક અને ઓસ્ટ્રિયા સહિતના દેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. સતત ઊંચા તાપમાન અને રાત્રે પણ ગરમીમાં રાહત ન મળતા વૃદ્ધો અને ગંભીર બીમારીઓ ધરાવતા લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વડા ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું કે હાલમાં આશરે 15 કરોડ લોકો ગંભીર ગરમીનો સામનો કરી રહ્યા છે. અનેક સ્થળોએ શાળાઓ બંધ રાખવામાં આવી છે, જ્યારે વીજળી વ્યવસ્થાઓ પર પણ ભારે દબાણ સર્જાયું છે.
ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ગણાવી રહ્યા છે વૈજ્ઞાનિકો
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ હીટવેવ પાછળનું મુખ્ય કારણ જળવાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) છે. ગ્લોબલ વોર્મિંગના કારણે અગાઉ દાયકાઓમાં એક વખત આવતી આવી ગરમી હવે લગભગ દર વર્ષે જોવા મળી રહી છે. શહેરોમાં કોંક્રીટ અને કાચની ઇમારતો ગરમીને વધુ વધારી રહી છે.
યુરોપના અનેક દેશોમાં તૂટી રહ્યા છે રેકોર્ડ
જર્મની, ઓસ્ટ્રિયા અને ચેક રિપબ્લિકમાં તાપમાનના જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ગરમીના કારણે ટ્રેન સેવાઓમાં ઘટાડો કરવો પડ્યો છે, જ્યારે કેટલાક શહેરોમાં ટ્રામ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. બીજી તરફ નદીઓનું પાણી ઘટી રહ્યું છે અને પાણીનું તાપમાન વધતા વીજ ઉત્પાદન પર પણ અસર પડી રહી છે. ઇટાલીની પો નદીમાં પાણીનું સ્તર એટલું ઘટ્યું છે કે દરિયાઈ પાણી અંદર સુધી ઘૂસી રહ્યું છે, જેના કારણે ખેતી અને પર્યાવરણને ખતરો ઊભો થયો છે.
ક્યારે મળશે રાહત?
હવામાન વિભાગના અનુમાન મુજબ પશ્ચિમ યુરોપમાં આગામી દિવસોમાં ઠંડી હવાઓ અને વાવાઝોડાની શક્યતા છે, જેના કારણે ફ્રાન્સ, જર્મની અને અન્ય કેટલાક દેશોમાં ગરમીમાં રાહત મળી શકે છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે તાપમાન ઘટ્યા પછી પણ ગરમીની અસર આગામી 10 દિવસ સુધી આરોગ્ય પર જોવા મળી શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



