હજારો યુઝર્સના WhatsApp એકાઉન્ટ અચાનક બંધ, Metaએ કહ્યું- ‘એકાઉન્ટ રિવ્યૂમાં છે’



હજારો યુઝર્સના WhatsApp એકાઉન્ટ અચાનક બંધ, Metaએ કહ્યું- ‘એકાઉન્ટ રિવ્યૂમાં છે’



મેટાની માલિકીની મેસેજિંગ એપ WhatsApp હજારો યુઝર્સને સોમવારે અચાનક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અનેક યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી કે તેમના એકાઉન્ટ કોઈ પૂર્વ સૂચના વિના બંધ થઈ ગયા છે અને તેઓ એપના કેટલાક ફીચર્સનો ઉપયોગ કરી શકતા નથી.
યુઝર્સને WhatsApp પર “Account under review”નું નોટિફિકેશન જોવા મળી રહ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે એકાઉન્ટની એક્ટિવિટી અને ડિવાઇસની માહિતીની તપાસ કરવામાં આવી રહી છે, જેથી તે WhatsAppની Terms of Serviceનું પાલન કરે છે કે નહીં તે જાણી શકાય. કંપનીના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે આ પ્રક્રિયા 24 કલાકની અંદર પૂર્ણ થઈ શકે છે.
અનેક યુઝર્સે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર આ સમસ્યાની જાણ કરી હતી. કેટલાક યુઝર્સે જણાવ્યું કે તેમણે કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી અને તેઓ માત્ર WhatsAppની સત્તાવાર એપનો ઉપયોગ કરે છે. કેટલાક લોકોનું કામ પણ WhatsApp પર નિર્ભર હોવાથી એકાઉન્ટ બંધ થવાથી મુશ્કેલી વધી છે.
WhatsAppના નોટિફિકેશનમાં એકાઉન્ટની સમસ્યાઓ સમજવા માટેનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, જેમાં એપના જવાબદાર ઉપયોગ, ચોરાયેલા ફોન અને કોમ્પ્રોમાઇઝ થયેલા એકાઉન્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
દરમિયાન, ભારતમાં મેસેજિંગ પ્લેટફોર્મ માટે એકસરખા નિયમનકારી માળખા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિવિધ મેસેજિંગ પ્લેટફોર્મ માટે કોમન રેગ્યુલેટરી ફ્રેમવર્ક પર વિચાર કરી રહ્યું છે.





