ડભોઇ તાલુકા પંચાયત ચૂંટણીમાં હોબાળો: ફોર્મ પરત ખેંચતા ઝપાઝપી, મારામારીના દ્રશ્યો



ડભોઇ તાલુકા પંચાયત ચૂંટણીમાં હોબાળો: ફોર્મ પરત ખેંચતા ઝપાઝપી, મારામારીના દ્રશ્યો



ડભોઈ ડભોઇ તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન આજે ભારે હોબાળો સર્જાયો હતો. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન રાજકીય તણાવ ઉગ્ર બનતા ઝપાઝપી અને મારામારીની ઘટનાઓ સામે આવી છે.
મળતી માહિતી મુજબ, કુંઢેલા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુળજીભાઈ વસાવાએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. તેમજ લીંગાસ્થડી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દક્ષેશભાઈ રાઠોડએ પણ ઉમેદવારી પાછી ખેંચતા રાજકીય સમીકરણોમાં બદલાવ આવ્યો છે.
આ દરમિયાન તાલુકા પંચાયત કેમ્પસમાં કોંગ્રેસના તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. સ્થિતિ વધુ બગડતાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે છૂટાછવાયા મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો માટે 54 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાંથી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન માત્ર બે ફોર્મ પાછા લેવાતા જ આ પ્રકારનો વિવાદ ઉભો થયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મામલો કાબૂમાં લેવા માટે વચ્ચે પડી પરિસ્થિતિ શાંત કરી હતી. હાલ તાલુકા પંચાયત કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાને કારણે વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને આવનારી ચૂંટણી વધુ રસપ્રદ તથા ટક્કરભરી બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.




