Ujjain Temple Stampede : કરંટ લાગ્યાની અફવા ફેલાતા ઉજ્જૈનના મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક ભક્તો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી


Ujjain Temple Stampede
Ujjain Temple Stampede : કરંટ લાગ્યાની અફવા ફેલાતા ઉજ્જૈનના મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક ભક્તો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી


Ujjain Temple Stampede
Ujjain Temple Stampede : શ્રી નાગચંદ્રેશ્વર મંદિર ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરના ઉપરના માળે આવેલું છે. શ્રાવણના ત્રીજા સોમવારે ભગવાન નાગચંદ્રેશ્વરના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. મંદિર તરફ જતા માર્ગો પર ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી હતી.
કરંટની અફવાથી ઉજ્જૈનમાં ભાગદોડ
મળતી માહિતી મુજબ, નીલકંઠ ગેટ નજીક પાવર સપ્લાય એટલે કે ડીપી પાસે વીજળીનો કરંટ લાગ્યો હોવાની અફવા ફેલાઈ હતી. અફવા ઝડપથી ભીડમાં પ્રસરી જતા દર્શનની કતારમાં ઉભેલા લોકો ગભરાઈ ગયા હતા. કેટલાક ભક્તોએ બચવા માટે દોડવાનું શરૂ કરતાં કતારમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ બેરિકેડ સાથે અથડાયા હતા અને કેટલાક લોકો ભીડના દબાણને કારણે નીચે પડી ગયા હતા. હરિશ્ચંદ્ર નામના ભક્તને બેરિકેડ સાથે અથડાવાથી પગમાં ગંભીર ઈજા થઈ હોવાનું જણાવાયું છે. ઘટનાને પગલે પરિવારજનો અને સુરક્ષા કર્મચારીઓએ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.
13 ભક્તોને હોસ્પિટલ ખસેડાયા
અહેવાલો મુજબ આશરે 13 ભક્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોમાં ઉજ્જૈન ઉપરાંત ગ્વાલિયર, ગંજબાસોડા, ગુજરાતના વાપી અને વલસાડ તેમજ બિહારના દરભંગાથી આવેલા શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તબીબો તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ ઘટના દરમિયાન હરસિદ્ધિ મંદિર ચોક અને મંદિર તરફના બેરિકેડ વિસ્તારમાં પણ ભીડનું દબાણ વધ્યું હતું. બીજી ઘટનામાં કેટલાક ભક્તોની તબિયત લથડતા તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સુરક્ષા કર્મચારીઓએ ભીડને નિયંત્રિત કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. થોડા સમય માટે દર્શન વ્યવસ્થા ખોરવાઈ હતી, પરંતુ બાદમાં વ્યવસ્થા ફરી સુચારુ કરવામાં આવી હતી. શ્રાવણના ત્રીજા સોમવારે મોટી સંખ્યામાં ભક્તો ઉજ્જૈન પહોંચ્યા હોવાથી ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થાનું મહત્વ પણ સામે આવ્યું છે. હાલ નાગચંદ્રેશ્વર ભગવાનના દર્શનની વ્યવસ્થા ફરી સામાન્ય રીતે ચાલી રહી છે.




