Get News Alerts

Never miss breaking news updates.

ગીરમાં ફરી ભેદી રોગનો ખતરો : CDV અને બેબસિયાથી સિંહોના મોત, વન વિભાગ એલર્ટ મોડમાં

ગીરના સાવજો પર ફરી એકવાર ભેદી રોગનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગ વિસ્તારમાં CDV અને બેબસિયા જેવા જીવલેણ રોગચાળાને કારણે 8થી વધુ સિંહોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. અનેક સિંહબાળોના મોત બાદ વન વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયું છે. સરસિયા સહિતના વિસ્તારોમાંથી સિંહોના ગ્રુપને રેસ્ક્યુ કરી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે એનિમલ ડોક્ટરોની ટીમ સતત મોનિટરિંગ અને સારવારમાં લાગી ગઈ છે. 2018માં પણ CDV રોગચાળાએ ગીરમાં અનેક સાવજોના જીવ લીધા હતા, ત્યારે ફરી એકવાર
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 May 2026 11:22 AM IST
ગીરમાં ફરી ભેદી રોગનો ખતરો : CDV અને બેબસિયાથી સિંહોના મોત, વન વિભાગ એલર્ટ મોડમાંગીરમાં ફરી ભેદી રોગનો ખતરો : CDV અને બેબસિયાથી સિંહોના મોત, વન વિભાગ એલર્ટ મોડમાં

ફાઈલ ફોટો

ગીર : ગીરના જંગલોમાં ફરી એકવાર સિંહો પર ભેદી રોગનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગ વિસ્તારમાં CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ) અને બેબસિયા જેવા જીવલેણ રોગચાળાને કારણે 8થી વધુ સિંહોના મોત થતા વન વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયું છે. સિંહોના મોત અને બીમારીના વધતા કેસોને કારણે સમગ્ર ગીર પંથકમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.

માહિતી મુજબ ગીરના સિંહોમાં બેબસિયા અને CDVનો રોગચાળો ફેલાયો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં 5 સિંહબાળ સહિત અનેક સિંહોના મોત નોંધાયા છે. ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જના ગીર ગઢડા બોર્ડર વિસ્તારમાં એક જ દિવસમાં બે સિંહોના ભેદી રોગથી મોત થતા વન વિભાગ દોડતું થયું છે.

ગીર પશ્ચિમના બાબરીયા અને જામવાળા રેન્જમાં પણ બે થી વધુ સિંહોના મોત નોંધાયા છે. ઉપરાંત લીલીયા રેન્જમાં એક સિંહબાળ, સાવરકુંડલા રેન્જમાં એક સિંહબાળ અને સરસિયા રેન્જમાં પણ એક સિંહબાળના મોત થતા ચિંતા વધી છે.

ધારીના સરસિયા રેન્જમાંથી 8 સિંહોના એક આખા ગ્રુપને રેસ્ક્યુ કરી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. જુદા જુદા વિસ્તારોમાં સિંહોના ગ્રુપને લક્ષણોના આધારે અલગ પાડી પાંજરે પુરવામાં આવી રહ્યા છે અને તેમનું સેમ્પલિંગ તેમજ મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. એનિમલ ડોક્ટરોની ટીમ સતત સિંહોની તપાસ અને મોનિટરિંગ કરી રહી છે.

પી.સી.સી.એફ જયપાલસિંહે જણાવ્યું કે બેબસિયા અને CDV જેવા રોગોથી સિંહોને બચાવવા માટે સતત મોનિટરિંગ અને સારવારની કામગીરી ચાલી રહી છે. અશક્ત અને નબળા સિંહોને પકડીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી રહ્યા છે.

ગીરમાં આ પ્રકારનો રોગચાળો અગાઉ પણ ભારે વિનાશ સર્જી ચૂક્યો છે. વર્ષ 2018માં દલખાણીયા રેન્જમાં CDV રોગચાળાને કારણે 29થી વધુ સિંહોના મોત થયા હતા. જ્યારે 2020-21 દરમિયાન ધારી અને ખાંભા ગીર વિસ્તારમાં બેબસિયા રોગના કારણે 10થી વધુ સિંહોના મોત નોંધાયા હતા. ગયા વર્ષે સિંહ ગણતરી બાદ ખાંભા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં પણ 15થી વધુ સિંહોના બીમારીને કારણે મોત થયા હતા.

ફરી એકવાર ગીરના સાવજો પર જીવલેણ રોગનો ખતરો ઊભો થતા વન વિભાગ સતત સતર્ક બન્યું છે, જ્યારે વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં પણ ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.