ધંધુકામાં યુવાનની હત્યા બાદ તણાવ: આગચંપી-તોડફોડ, ભારે પોલીસ બંદોબસ્ત



ધંધુકામાં યુવાનની હત્યા બાદ તણાવ: આગચંપી-તોડફોડ, ભારે પોલીસ બંદોબસ્ત



ધંધુકા: ધંધુકામાં નજીવી બાબતે એક યુવાનની છરીના ઘા મારી હત્યા કરાતા વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની ખબર ફેલાતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કેટલાક સ્થળોએ તોડફોડ તેમજ આગચંપીના બનાવો સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, નસીબ સોસાયટી વિસ્તારમાં ધર્મેશ ભરવાડ નામના યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓના કારણે તેનું મોત થયું હતું. ઘટનાના પગલે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાર્ક કરેલા વાહનો તેમજ આસપાસની દુકાનોમાં આગચંપી કરાઈ હતી.
સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક મોટી સંખ્યામાં બંદોબસ્ત ગોઠવ્યો હતો. ફાયર વિભાગે સળગતા વાહનો પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ટોળાઓને વિખેરી નાખવામાં આવ્યા છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે.
મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.




