શેરબજારમાં દિવસભર ઉતાર-ચઢાવ બાદ તેજી, આઈટી શેરોમાં સૌથી વધુ ચમક



AI Image
શેરબજારમાં દિવસભર ઉતાર-ચઢાવ બાદ તેજી, આઈટી શેરોમાં સૌથી વધુ ચમક



AI Image
મુંબઈ: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ બાદ અંતે લીલા નિશાન સાથે કારોબાર પૂર્ણ થયો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સે નીચલા સ્તરેથી 1,100થી વધુ અંકોની રિકવરી કરી હતી, જ્યારે નિફ્ટીએ પણ 300થી વધુ અંકોનો ઉછાળો નોંધાવ્યો હતો.
બીએસઈનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 77.05 અંક એટલે કે 0.10 ટકાના વધારા સાથે 75,315.04 પર બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી 6.45 અંક એટલે કે 0.03 ટકાની સામાન્ય વધારાની સાથે 23,649.95 પર ક્લોઝ થયો હતો.
મુખ્ય બેન્ચમાર્કની સરખામણીએ વ્યાપક બજારમાં નબળાઈ જોવા મળી હતી. નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1.26 ટકા અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં 0.15 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી સૌથી વધુ ચમક્યો હતો અને તેમાં 2.43 ટકાનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી ફાર્મા, પ્રાઇવેટ બેંક અને હેલ્થકેર સેક્ટરમાં પણ સારો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટી મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પીએસયુ બેંક સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી સેક્ટરનું પ્રદર્શન પણ નબળું રહ્યું હતું.
નિફ્ટી-50માં ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, સન ફાર્મા, વિપ્રો, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેક અને ટીસીએસના શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે ટાટા સ્ટીલ, પાવરગ્રીડ, એનટિપીસી, એસબીઆઈ, બજાજ ઓટો અને મારુતિના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ અગાઉના સત્રના 461 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 458 લાખ કરોડ રૂપિયા થયું હતું. જેના કારણે રોકાણકારોને એક જ સત્રમાં અંદાજે 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
આ દરમિયાન બ્રેન્ટ ક્રૂડનો ભાવ 110 ડોલર પ્રતિ બેરલથી ઉપર રહ્યો હતો, જ્યારે ભારતીય રૂપિયા ડોલર સામે 93.12 પર નબળો રહ્યો હતો.
બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કાચા તેલના વધતા ભાવ, મધ્ય પૂર્વના તણાવ અને રૂપિયામાં નબળાઈને કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.




