નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ 135 અંક તૂટ્યો



નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ 135 અંક તૂટ્યો



મુંબઈ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને નબળા વૈશ્વિક સંકેતોની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. ગુરુવારના કારોબારી સત્ર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. ખાસ કરીને IT અને FMCG શેરોમાં વેચવાલીના દબાણને કારણે બજારમાં નબળાઈ જોવા મળી હતી.
નિફ્ટી50 4.30 અંક અથવા 0.02 ટકા ઘટીને 23,654.70 પર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 135.03 અંક અથવા 0.18 ટકા ઘટીને 75,183.36 પર બંધ થયો હતો.
બીએસઈ સેન્સેક્સ 75,732.42 પર ખુલ્યો હતો અને દિવસ દરમિયાન 75,945.79ની ઊંચી સપાટી તેમજ 74,996.78ની નીચી સપાટી નોંધાવી હતી. એનએસઈ નિફ્ટી 23,830.05 પર ખુલ્યો હતો અને દિવસ દરમિયાન 23,859.90ની ઊંચી સપાટી તથા 23,596.60ની નીચી સપાટી સુધી પહોંચ્યો હતો.
વિસ્તૃત બજારમાં નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.63 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સમાં 0.04 ટકાનો નાનો ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટર મુજબ જોવામાં આવે તો નિફ્ટી FMCG, IT અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ રિયલ્ટી અને સિમેન્ટ સેક્ટરે સારો દેખાવ કર્યો હતો.
નિફ્ટી50માં ગ્રાસિમ, ઇન્ડિગો, અપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, ટ્રેન્ટ, BEL, HDFC લાઇફ, મેક્સહેલ્થ, હિન્ડાલ્કો અને વિપ્રોના શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે બજાજ ફાઇનાન્સ, HUL, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ, ટાટા કન્ઝ્યુમર અને ભારતી એરટેલના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
બીએસઈમાં સૂચિબદ્ધ કંપનીઓનું કુલ માર્કેટ કેપ અગાઉના 461 લાખ કરોડ રૂપિયાથી વધીને 462 લાખ કરોડ રૂપિયા થયું હતું, જેના કારણે રોકાણકારોને આશરે 1 લાખ કરોડ રૂપિયાનું નફો થયો હતો.
માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કાચા તેલના ભાવમાં ફરી ઉછાળો આવતા મોંઘવારી, રૂપિયાની નબળાઈ અને કંપનીઓના વધતા ખર્ચ અંગેની ચિંતાઓ વધી છે. વૈશ્વિક સ્તરે અમેરિકન ફેડરલ રિઝર્વની કડક ટિપ્પણીઓ બાદ વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતા વધી છે.
નિફ્ટી માટે 23,700 અને 23,800નો સ્તર હાલ મજબૂત રેઝિસ્ટન્સ માનવામાં આવી રહ્યો છે, જ્યારે 23,500થી 23,600નો વિસ્તાર મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન તરીકે જોવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના મતે જો બજાર 23,600ની નીચે જાય તો વધુ તેજ વેચવાલી જોવા મળી શકે છે.




