Get News Alerts

Never miss breaking news updates.

સુરેન્દ્રનગર અકસ્માત મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો: પત્ની અને પ્રેમીનો હત્યાકાંડનો કાવતરું બહાર આવ્યું

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માનવ ગુપ્તચર માહિતીના આધારે તપાસ આગળ વધારી અને આખરે હત્યાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ મામલે મૃતક શાંતિગીરી ગોસ્વામીની પત્ની જાગૃતિબેન સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 May 2026 03:24 PM IST
સુરેન્દ્રનગર અકસ્માત મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો: પત્ની અને પ્રેમીનો હત્યાકાંડનો કાવતરું બહાર આવ્યુંસુરેન્દ્રનગર અકસ્માત મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો: પત્ની અને પ્રેમીનો હત્યાકાંડનો કાવતરું બહાર આવ્યું

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં શરૂઆતમાં અકસ્માત મોત તરીકે નોંધાયેલા એક રહસ્યમય કેસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માનવ ગુપ્તચર માહિતીના આધારે તપાસ આગળ વધારી અને આખરે હત્યાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ મામલે મૃતક શાંતિગીરી ગોસ્વામીની પત્ની જાગૃતિબેન સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું કે જાગૃતિબેનના સહઆરોપી સાથે લાંબા સમયથી અંગત અને નજીકના સંબંધો હતા. આ સંબંધોને કારણે જ શાંતિગીરી ગોસ્વામીને રસ્તામાંથી હટાવવા માટે કાવતરું રચાયું હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે દોઢ વર્ષ પહેલાં પણ શાંતિગીરીની હત્યા કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ડીસા-પાલનપુરના યુનુસ મેમણને સોંપારી આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર વિસ્તારમાં મળેલો અજાણ્યો મૃતદેહ શરૂઆતમાં અકસ્માત મોત ગણાયો હતો, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત તપાસ, ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના આધારે મૃતદેહની ઓળખ સ્થાપિત કરી. ત્યારબાદ સમગ્ર મામલો હત્યાની દિશામાં વળ્યો હતો.

પોલીસ તપાસ મુજબ આરોપીઓએ શાંતિગીરી ઘર છોડીને ક્યાંક ચાલી ગયા હોવાનો ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય. હત્યા બાદ પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તા. 18 મે 2026ના રોજ કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ બંનેની પૂછપરછ ચાલી રહી છે અને કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.