Get News Alerts

Never miss breaking news updates.

ઈરાન-અમેરિકા ક્રોસ ફાયરિંગમાં સલાયાના યુવાનનું મોત, 17 ખલાસીઓનો આબાદ બચાવ

સમુદ્રની મધ્યમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં માલવાહક વહાણ ઝપેટમાં આવી ગયું હતું. ભારે ફાયરિંગના કારણે વહાણને મોટું નુકસાન પહોંચ્યું હતું અને તે દરિયામાં ડૂબવા લાગ્યું હતું. આ દરમિયાન એન્જિન રૂમમાં ફરજ બજાવી રહેલા સલાયાના રહેવાસી અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.
Rahul Desai
Rahul DesaiUpdated on: 09 May 2026 02:39 PM IST
ઈરાન-અમેરિકા ક્રોસ ફાયરિંગમાં સલાયાના યુવાનનું મોત, 17 ખલાસીઓનો આબાદ બચાવઈરાન-અમેરિકા ક્રોસ ફાયરિંગમાં સલાયાના યુવાનનું મોત, 17 ખલાસીઓનો આબાદ બચાવ

ઈરાન અને અમેરિકા વચ્ચે સમુદ્રમાં ચાલી રહેલા તણાવની અસર હવે ગુજરાતના ખલાસીઓ સુધી પહોંચી છે. દુબઈથી યમન જઈ રહેલા માલવાહક વહાણ ‘MSV અલ ફૈઝે નૂરે સુલેમાની-1’ પર થયેલા ક્રોસ ફાયરિંગમાં દેવભૂમિ દ્વારકાના સલાયાના એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 17 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર સલાયા પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

મળતી માહિતી મુજબ, સમુદ્રની મધ્યમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં માલવાહક વહાણ ઝપેટમાં આવી ગયું હતું. ભારે ફાયરિંગના કારણે વહાણને મોટું નુકસાન પહોંચ્યું હતું અને તે દરિયામાં ડૂબવા લાગ્યું હતું. આ દરમિયાન એન્જિન રૂમમાં ફરજ બજાવી રહેલા સલાયાના રહેવાસી અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.

વહાણમાં સવાર અન્ય 17 ખલાસીઓએ જીવ બચાવવા માટે સંઘર્ષ કર્યો હતો. બાદમાં નજીકમાંથી પસાર થઈ રહેલા અન્ય એક જહાજે તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યા હતા. હાલ તમામ ખલાસીઓ દુબઈ પોર્ટ પર સુરક્ષિત પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટનાને લઈને ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયાએ ભારત સરકારને ઈ-મેઇલ મારફતે જાણ કરી છે. એસોસિયેશને મૃતક અલ્તાફ કેરના પાર્થિવ દેહને તાત્કાલિક વતન લાવવા તેમજ દુબઈમાં રહેલા બાકીના 17 ખલાસીઓને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાની માંગ કરી છે. સાથે જ ડેથ સર્ટિફિકેટ સહિતની તમામ કાયદાકીય પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

ઘટનાના સમાચાર સામે આવતા સલાયા સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક યુવાનના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.