Kolkata Fire Hotel : કોલકાતાની હોટલમાં ભીષણ આગ, 9 બાંગ્લાદેશી નાગરિકના મોતથી ખળભળાટ


Kolkata Fire Hotel
Kolkata Fire Hotel : કોલકાતાની હોટલમાં ભીષણ આગ, 9 બાંગ્લાદેશી નાગરિકના મોતથી ખળભળાટ


Kolkata Fire Hotel
Kolkata Fire Hotel : ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ મંગળવારે રાત્રે આશરે 2:45 વાગ્યે લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને ન્યૂ માર્કેટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે ધુમાડા અને આગ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બચાવ ટીમોએ હોટલમાંથી 60થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
સ્થાનિક તંત્રએ અને ફાયર વિભાગે તપાસ કરી શરૂ
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નવ લોકોમાં બે મહિલાઓ અને એક સગીર છોકરીનો પણ સમાવેશ થાય છે. તબીબોના જણાવ્યા મુજબ, મોટાભાગના મૃત્યુ ધુમાડાને કારણે ગૂંગળામણ થવાથી થયા હોવાની પ્રાથમિક માહિતી છે. કેટલાક મૃતદેહો પર દાઝવાના નિશાન પણ મળી આવ્યા છે. આગમાં દાઝેલા અથવા બેભાન થયેલા આશરે 15 લોકોને સારવાર માટે કલકત્તા મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. આગની તપાસ દરમિયાન હોટલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં હોટલમાં બહાર નીકળવા માટેનો માર્ગ સાંકડો હોવાનું સામે આવ્યું છે. સૌથી ગંભીર બાબત તરીકે રાત્રિના સમયે હોટલનો મુખ્ય બહારનો દરવાજો બંધ હોવાની માહિતી સામે આવી છે. જેના કારણે આગ અને ધુમાડા વચ્ચે ફસાયેલા લોકોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી હોવાનું માનવામાં આવે છે.
આગ લાગી ત્યારે બહાર નીકળવાનો રસ્તો જ બંધ!
આ ઉપરાંત હોટલ પાસે જરૂરી માન્ય લાયસન્સ અને પૂરતી ફાયર સેફ્ટી વ્યવસ્થા ન હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસ દ્વારા હોટલ માલિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે ફરાર હોટલ માલિકની શોધખોળ કરી રહી છે અને સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાએ શહેરની હોટલોમાં ફાયર સેફ્ટી, લાયસન્સ અને ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે તપાસમાં હોટલની મંજૂરી, ફાયર સેફ્ટી અને અન્ય નિયમોના પાલનમાં ક્યાં ચૂક થઈ હતી તે વધુ સ્પષ્ટ થશે.




