GSRTCમાં રેકોર્ડ બ્રેક બુકિંગ: 1 લાખ સીટ એડવાન્સમાં જ ફુલ



ફાઈલ ફોટો
GSRTCમાં રેકોર્ડ બ્રેક બુકિંગ: 1 લાખ સીટ એડવાન્સમાં જ ફુલ



ફાઈલ ફોટો
અમદાવાદ: ઉનાળાની રજાઓ શરૂ થવાના પહેલાં જ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)માં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. માત્ર એક જ સપ્તાહમાં 1.08 લાખથી વધુ સીટોની એડવાન્સ બુકિંગ થવાથી નિગમને ₹3.22 કરોડથી વધુ આવક થઈ છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, 9 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન આ બુકિંગ નોંધાઈ છે. રજાઓમાં લોકો પોતાના વતન તેમજ ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જવાની આગોતરી તૈયારી કરી રહ્યા હોવાથી બુકિંગમાં વધારો થયો છે.
ડિવિઝનવાર વાત કરીએ તો ગોધરા ડિવિઝન સૌથી આગળ રહ્યું છે, જ્યાં 28,137 ટિકિટ બુક થઈ અને ₹76.34 લાખની આવક થઈ. ત્યારબાદ રાજકોટ ડિવિઝનમાં 14,206 ટિકિટ સાથે ₹40.71 લાખની આવક નોંધાઈ છે. જામનગર અને ભુજ ડિવિઝનમાં અનુક્રમે 9,404 અને 8,897 બુકિંગ નોંધાતા સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ મુસાફરીમાં વધારો દેખાયો છે.
અમદાવાદ ડિવિઝનમાં 8,978 ટિકિટ બુક થઈ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત રૂટ પર વધુ માંગ જોવા મળી છે. ઉપરાંત ભાવનગર (7,153), અમરેલી (5,534), વડોદરા (4,849) અને સુરત (2,149) ડિવિઝનમાં પણ સ્થિર બુકિંગ નોંધાયું છે.
આ દરમિયાન 3,674 ટિકિટ રદ થતાં GSRTC દ્વારા આશરે ₹11.14 લાખની રિફંડ પણ આપવામાં આવી છે.
GSRTCના અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રેન, વિમાન અને ખાનગી બસોની તુલનામાં સસ્તું ભાડું હોવાથી લોકો માટે GSRTC હજુ પણ પસંદગીનું માધ્યમ છે. વધતી માંગને ધ્યાનમાં રાખીને ઉનાળાની રજાઓ દરમિયાન વધારાની બસો દોડાવવાની પણ યોજના બનાવવામાં આવી છે.




