રાજ્યસભામાં રાષ્ટ્ર-ગૌરવ અપમાન નિવારણ (સુધારા) બિલ 2026 પર ચર્ચા માટે પ્રસ્તાવ, હંગામાને કારણે કાર્યવાહી સ્થગિત



રાજ્યસભામાં રાષ્ટ્ર-ગૌરવ અપમાન નિવારણ (સુધારા) બિલ 2026 પર ચર્ચા માટે પ્રસ્તાવ, હંગામાને કારણે કાર્યવાહી સ્થગિત



રાજ્યસભાની કાર્યવાહી સોમવારે બે વખત સ્થગિત થયા બાદ બપોરે 2 વાગ્યે ફરી શરૂ થઈ હતી. કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના હંગામા વચ્ચે થોડા સમય માટે ગૃહનું કામકાજ ચાલ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાષ્ટ્ર-ગૌરવ અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026 પર વિચારણા અને તેને પસાર કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે, ગૃહમાં હોબાળો ચાલુ રહેતા બિલ પર ચર્ચા થઈ શકી નહોતી અને કાર્યવાહી ફરી સ્થગિત કરવામાં આવી હતી.
પ્રસ્તાવ રજૂ કરતાં નિત્યાનંદ રાયે કહ્યું હતું કે રાષ્ટ્ર-ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ, 1971માં સુધારો કરનારા આ બિલ પર ગૃહે વિચારણા કરવી જોઈએ. આ દરમિયાન કેટલાક સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો. ઉપસભાપતિએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી આ બિલ પર ચર્ચા ટળી રહી છે અને હવે તેને વિચારણા માટે લેવામાં આવવું જોઈએ. જોકે, ગૃહમાં હંગામો યથાવત રહેતા રાજ્યસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.
રાજ્યસભામાં રજૂ કરાયેલા આ બિલમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન કાયદાકીય દરજ્જો અને સુરક્ષા આપવાની જોગવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બિલ મુજબ, જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’નું અપમાન કરે તો તેની સામે કાયદા હેઠળ કડક કાર્યવાહી અને સજાની જોગવાઈ થઈ શકે છે.
કેટલાક વિપક્ષી પક્ષો દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. CPI(M)ના સાંસદ ડૉ. જોન બ્રિટાસે બિલનો વિરોધ કરતાં કહ્યું હતું કે સંસદ સામાન્ય કાયદા દ્વારા કોઈ બંધારણીય ઘોષણાને ફરીથી લખી શકે નહીં.
દરમિયાન, ચોમાસુ સત્રના બીજા સપ્તાહમાં પણ સંસદના બંને ગૃહોમાં સતત હંગામો જોવા મળી રહ્યો છે. સોમવારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી સાંજે 5 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.





